નવી દિલ્હી: બળજબરીથી થતા ધર્માંતરણને લઈને સુપ્રીમ કોર્ટમાં એક પીઆઇએલ દાખલ થઈ છે. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે બળજબરી, લાલચ આપી થતા ધર્માંતરણનો વિરોધ કર્યો હતો. સાથે જ રાજ્યમાં લગ્ન માટે થતા ધર્માંતરણ મુદ્દે જે આદેશ જારી કરવામાં આવ્યો છે તેના પર હાઇકોર્ટે મૂકેલો સ્ટે હટાવવાની માગણી પણ ગુજરાત સરકારે કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મ પાળવો કે તેનો પ્રચાર કરવો તે બંધારણનો મૂળભૂત અધિકાર છે પણ આ અધિકારોમાં કોઈનું ધર્માંતરણ કરાવવાના અધિકારોનો સમાવેશ નથી થતો.
ગુજરાત સરકાર દ્વારા ધર્મની સ્વતંત્રતાના કાયદા 2003માં સુધારા કરીને નવી જોગવાઈ ઉમેરવામાં આવી હતી, જેમાં જો કોઈ અલગ-અલગ ધર્મના લોકો લગ્ન કરતા હોય અને ધર્માંતરણ કરવું પડે તો તેવી સ્થિતિમાં જિલ્લા મેજિસ્ટ્રેટની અનુમતી ફરજિયાત રહેશે. ગુજરાત સરકારના આ સુધારા પર બાદમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં હાઇકોર્ટ દ્વારા સ્ટે અપાયો હતો. હાલ સુપ્રીમમાં ગુજરાત સરકાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે તેમાં હાઇકોર્ટના આ સ્ટેને હટાવવાની માગણી પણ કરવામાં આવી છે.

