નવી દિલ્હીઃ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં ગુજરાત સરકારે 2002ના ગોધરાકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જવાબ રજૂ કર્યો છે. અને કહ્યું છે કે, જે લોકો છોડવાની માગણી કરી રહ્યા છે તેઓ કોઈ પથ્થરબાજો નથી, તેઓ હિંસા આચરનારા છે અને તેથી તેમને છોડવામાં ન આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જે લોકોએ અરજી કરી છે તેઓ પર પથ્થરમારાનો આરોપ છે છતાં આટલાં વર્ષોથી કેદ છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, આ દોષિતોમાંથી કેટલાક એમણે કરેલા અપરાધ જેટલી સજા કાપી ચૂક્યા છે. એવામાં કેટલાકને જામીન પર છોડી શકાય તેમ છે. જો કે ગુજરાત સરકારે કહ્યું હતું કે, કોઈ ઉપર નરમ વલણ દાખવવાની જરૂર નથી.
આ દોષીઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2018થી પેન્ડિંગ છે. ગોધરાકાંડ બાદ રાજ્યમાં અનેક સ્થળે હિંસાઓ ફાટી નીકળી હતી.
ગુજરાત સરકારે કહ્યું હતું કે, પથ્થરબાજોની ગોધરાકાંડમાં ગંભીર ભૂમિકા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ અને પી.એસ. નરસિમ્હાની બેંચે કહ્યું હતું કે, દોષી ૧૭-૧૮ વર્ષથી જેલમાં કેદ છે અને તેમના પર પથ્થરો ફેંકવાનો આરોપ છે, એવામાં તેને જામીન પર છોડવા અંગે વિચાર કરી શકીએ છીએ. જેનો વિરોધ કરતાં સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, આ માત્ર પથ્થરબાજીનો કેસ નથી. તેઓના પથ્થરમારાને કારણે જ સળગતા ડબામાંથી મુસાફરો બહાર નહોતા નીકળી શક્યા.
2002ના ગોધરાકાંડમાં 31 લોકો આજીવન કેદની સજા કાપી રહ્યા છે. ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ટ્રેનમાં આગ લગાવવામાં આવી તે બાદ આ દોષીઓએ લોકો બહાર ન આવે એ માટે પથ્થરો વરસાવવાનું શરૂ કરી દીધું હતું. જો કે સાથે તેઓએ એમ પણ કહ્યું હતું કે, અમે દરેક દોષિતો પર નજર કરીશું અને તેમને જામીન પર છોડી શકાય કે કેમ તે અંગે વિચારીશું.

