સુરત: સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 5 ડિસેમ્બરે વિશ્વ જમીન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે, ‘દક્ષિણ ગુજરાતમાં એકરદીઠ પાકમાં ઘટાડો થઈ રહ્યો.’ છેલ્લાં 50 વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં એકરદીઠ શેરડીના પાકમાં 15 ટન ઉત્પાદન ઘટ્યું છે.
વિશ્વમાં દર સેકન્ડે 1 એકર ખેતીલાયક જમીન ઉજ્જડ બની રહી છે. જમીનમાં છેલ્લાં 40 વર્ષમાં ફળદ્રુપતા, પોષક તત્ત્વોનું પ્રમાણ, સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે, જેને લીધે પાક ઉત્પાદનો અને પોષકતત્ત્વોનું પ્રમાણ ઘટ્યું છે. ઓછા પોષકતત્ત્વોવાળા ખોરાકને કારણે પોષણના પ્રશ્નો વધ્યા છે. વધતી વસ્તીને અનાજ પૂરું પાડવા માટે આડેધડ જંતુનાશક, નિંદણનાશક અને ફર્ટિલાઇઝરનો ઉપયોગ વધતાં જમીન ઝેરી અને બિનઉપજાઉ બની રહી છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક શેરડીનો છે. માત્ર 50 વર્ષમાં જ શેરડીનો પાક એકરદીઠ 40થી 45 ટનથી ઘટીને આજે 25થી 30 ટન પર પહોંચી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 4 લાખ એકરમાં શેરડીનો પાક લેવામાં આવે છે.

