સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું વોટિંગ પૂર્ણ થવાની સાથે જ શુક્રવારે આવકવેરા વિભાગે હીરા વેપારીઓ અને રિયલ એસ્ટેટ ફાઇનાન્સર્સ તેમજ બ્રોકર્સને સાણસામાં લીધા છે. આવકવેરા વિભાગની ડીઆઇ વિંગે સુરત અને મુંબઈમાં 30 સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શુક્રવારે સવારથી શરૂ કરવામાં આવેલી કાર્યવાહી મોડી રાત સુધી યથાવત્ રહી હતી. તમામ સ્થળો પરથી વિભાગને ખરીદ-વેચાણના દસ્તાવેજો, રોકાણના દસ્તાવેજો તેમજ જમીન-મકાનના સોદા સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. તે સિવાય લાખોની રોકડ અને જ્વેલરી પણ વિભાગે જપ્ત કરીને તપાસ આગળ વધારી છે.
ડીઆઇ વિંગે શુક્રવારે સવારથી જ સુરત, વડોદરા અને મુંબઈના આવકવેરાના 150થી વધુ અધિકારીઓની ટીમ સાથે સુરતના હીરા ઉદ્યોગકાર ભાવના જેમ્સ, ધનેરા ડાયમંડની સાથે રિયલ એસ્ટેટના ફાઇનાન્સર નરેશ શાહ તેમજ રમેશ વઘાસિયા અને તેમની સાથે સંકળાયેલા એકાઉન્ટન્ટ, મેનેજરને ત્યાં મળી કુલ 30થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરી હતી. હીરા ઉદ્યોગકારોના કતારગામ, મહિધરપુરાની ઓફિસ, કારખાના સાથે તમામ ભાગીદારોના ઘરે પણ અધિકારીઓ પહોંચ્યા હતા. તે સિવાય મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ ખાતે પણ મુંબઈની ટીમે તપાસ કરી હતી. સુરતમાં નાનપુરા, અઠવા લાઇન્સ, મહિધરપુરા, વરાછા અને કતારગામમાં કુલ 25 અને મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ સહિત 5 સ્થળ પર તપાસ મોડી રાત સુધી ચાલુ રહી હતી.

