ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 63.31 ટકા મતદાન થયું છે, જેમાં 2017ની સરખામણી કરતાં ઓછું મતદાન દેખાઈ રહ્યું છે. રાજ્યમાં મતદાન ઓછું થવાની સાથે કેટલીક એવી પણ બેઠક રહી છે, જ્યાં આખા ગામ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કાના મતદાનમાં રાજ્યનાં સાત ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો, એટલે કે આ તમામ ત્રણ ગામમાં એકપણ વ્યક્તિ દ્વારા મત આપવામાં આવ્યો નથી.
પ્રથમ તબક્કામાં જામજોધપુરના ધ્રાફા ગામે મહિલાઓ માટે અલગથી બૂથની વ્યવસ્થા ન કરાતાં ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો. આ સિવાય પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં વાલિયા તાલુકાના કેસર ગામ, નર્મદા ડેડિયાપાડાનું સામોટ, ડાંગ-આહવા, માંડવીના સિંગ્લકલોલ, ખાંચ, પથરડા અને ભરૂચના મહુજા ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો.
તો બીજા તબક્કામાં પણ 4 ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. જેમાં મહેસાણાના બહુચરાજી તાલુકાના બરીયફ, ખેરાલુના વરેઠા, ડાલીસણા અને ડાવોલ ગામનો સમાવેશ થાય છે.
ચૂંટણી અધિકારીઓએ આ અંગે સ્થાનિકોને આ મામલો સરકાર સંબંધી હોવાથી પોતે દરમિયાનગીરી કરવા અસમર્થ હોવાનું જણાવ્યું હતું, છતાં ગ્રામજનો દ્વારા મતદાન કરાયું નહોતું.

