ભારતના નેતૃત્વમાં જી-20ની પહેલી બેઠક ઉદયપુરમાં યોજાઇ

Wednesday 07th December 2022 07:29 EST
 
 

ઉદયપુરઃ પહેલી વાર ભારતની અધ્યક્ષતામાં G-20 દેશોની મુખ્ય શેરપા સભા સોમવારે ઉદયપુરના દરબાર હોલમાં શરૂ થઈ હતી. ભારતના અમિતાભ કાંતે બેઠકમાં ફૂડ (અનાજ), ફ્યુઅલ (ઈંધણ) અને ફર્ટિલાઈઝર (ખાતર)ને ભારતની પ્રાથમિકતાઓ ગણાવતા કહ્યું કે રોજગાર, તબીબી, શિક્ષણ, વેપાર અને રોકાણને ટ્રેક પર લાવવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયગાળામાં વિશ્વના 100 મિલિયન લોકોની નોકરીઓ છીનવાઈ ગઈ હતી. હવે નવી નોકરીઓની તક ઊભી કરવા માટે વિશેષ ધ્યાન આપવું પડશે.
9 મહેમાન દેશો સહિત G-20ના 43 દેશો સમગ્ર વિશ્વમાં નવા મૂળભૂત ફેરફારો લેવા માટે પ્રતિબદ્ધ છે. આ મીટિંગ પછી તમામ શેરપા અને રાજદ્વારીઓ સિટી પેલેસના માણેકચોકમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રાજસ્થાની વેશભૂષા પહેરીને ફોટોગ્રાફી કરાવી હતી.
ભારત G-20નું અધ્યક્ષ બનતા ફ્રાન્સ ખુશ
ભારતે પહેલી ડિસેમ્બરથી G-20નું અધ્યક્ષપદ સંભાળી લીધું છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેમક્રોએ ભારતને G-20નું અધ્યક્ષપદ મળતા ખુશી વ્યક્ત કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો વ્યક્ત કર્યો છે. મેંક્રોએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી કરેલી ટ્વિટમાં જણાવ્યું કે તેઓ શાંતિની અને સ્થાયી વિશ્વની સ્થાપના માટે સૌને એકસંપ કરવા માટે તેમના મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો કરે છે.
મેંક્રોએ લખ્યું કે, ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. ભારતે G-20નું અધ્યક્ષપદ સંભાળી લીધું છે. મને મારા મિત્ર નરેન્દ્ર મોદી પર ભરોસો છે કે તેઓ વિશ્વને શાંત અને સ્થાયી બનાવવા સૌને સાથે લાવશે.’ જાપાનના વડાપ્રધાન કુમિયો કિશિદાએ પણ વડાપ્રદાન મોદીને અભિનંદન આપ્યા હતા. તેમણે ટ્વિટ કર્યુ હતું કે G-20નું અધ્યક્ષપદ સંભાળવા બદલ પીએમ મોદીને અભિનંદન. ભારતે G-20નું અધ્યક્ષપદ સંભાળ્યું તે માટે અગાઉ શુક્રવારે માલદીવના રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સોલીહે વડાપ્રધાન મોદીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે G-20નું અધ્યક્ષપદ સંભાળવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સરકાર તથા ભારતના લોકોને અભિનંદન. કૂટનીતિ અન ંસવાદને પ્રોત્સાહન આપવા, સર્વસંમતિ સાધવા અને વૈશ્વિક મહત્ત્વ ધરાવતા પ્રશ્નોના કાયમી ઉકેલ શોધવા ભારતના નેતૃત્વ પર મને પૂરો ભરોસો છે.


comments powered by Disqus