અમદાવાદઃ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને લંડનમાં ઓર્થોપેડિક તબીબ તરીકે ફરજ બજાવી ચૂકેલા 78 વર્ષીય વૃદ્ધને ગઠિયાએ ફોન કરીને ઇલેક્ટ્રિસિટી બિલ ભરપાઈ કરો નહીં તો તમારા ઘરની લાઇટ બે કલાકમાં કપાઈ જશે કહીને એક લિન્ક મોકલી હતી. થોડીવારમાં 36 જેટલા ઓટીપી મોબાઇલમાં આવતાં જ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી 2 લાખ ઉપડી ગયાનો મેસેજ પણ આવ્યો હતો, જેથી વૃદ્ધે તાત્કાલિક બેન્ક એકાઉન્ટ બંધ કરાવ્યા હતા. આ અંગે વૃદ્ધ તબીબ બાબુભાઈએ અજાણ્યા ગઠિયા વિરુદ્ધ તાત્કાલિક સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. આ ગઠિયાને ઝડપી લેવા સેટેલાઇટ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
