લંડનઃ શ્રી જગન્નાથ સોસાયટી, યુકે દ્વારા 27 નવેમ્બર 2022ના રોજ સેન્ટ્રલ લંડનના જાણીતા રાડા સ્ટુડિયો ખાતે ફંડ રેઇઝિંગ કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. સમર્પણ નામના આ કાર્યક્રમમાં નૃત્ય સ્વરૂપે ભક્તિ કરવા માટે ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલી ઓડિસી અને કથક રજૂ કરાયાં હતાં. આ પ્રસંગ યાદગાર બની રહ્યો હતો. કલાકારો અને પ્રેક્ષકોએ નૃત્ય - કલા - સંગીતના માધ્યમથી આધ્યાત્મિકતાના શરણમાં પહોંચી ગયાની અનુભૂતિ કરી હતી. કાર્યક્રમમાં યુકેના સૌપ્રથમ ભવ્ય જગન્નાથ મંદિર માટે ભંડોળ એકઠું કરાયું હતું. લંડનમાં નિર્માણ થનારું જગન્નાથ મંદિર સમગ્ર યુરોપમાં જગન્નાથ કલ્ચરનું એપી સેન્ટર બની રહેશે. મંદિર પ્રસિદ્ધ યાત્રાધામ બનીને વિશ્વમાંથી હજારો પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને આકર્ષશે. હાલમાં શ્રી જગન્નાથ સોસાયટી યુકે ગ્રેટર લંડનમાં પાંચ એકર જમીનની ખરીદી માટે 1.8 મિલિયન પાઉન્ડનું ભંડોળ એકઠું કરી રહી છે.
સમર્પણ કાર્યક્રમમાં એસજેએસ યુકે દ્વારા બે આંતરરાષ્ટ્રીય નૃત્યકારોની કલા અને તાલંતો રજૂ કરાયાં હતાં. આ બંને વર્ષોથી ઓડિસી અને કથકના મહાગુરૂઓ પાસેથી તાલીમ લઇ રહ્યાં છે. ઓડિસી નૃત્યો પદ્મશ્રી માધવી મુદગલના શિષ્ય પ્રેમાનંદ સાહૂ અને કથ્થક નૃત્યો ઉરિયા દેસાઇ ઠાકોરના શિષ્ય શ્યામ દત્તાણી દ્વારા રજૂ કરાયા હતા.
ઓડિસી નૃત્ય હાથ અને ચહેરાની મુદ્રાઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓની કથાઓ અને લાગણીઓ વ્યક્ત કરે છે. પ્રેમાનંદ સાહૂએ ભગવાન જગન્નાથના સ્તુત્યગાન જગન્નાથ અષ્ટકમ સાથે નૃત્યનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ તેમણે રાધા અને કૃષ્ણ વચ્ચેના પ્રેમને પ્રદર્શિત કરતા ગીત જમુના કિનારે મોરા ગાંવ ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું. તેમણે બાળ કૃષ્ણની લીલાઓ પર આધારિત ઘટનાક્રમ નૃત્ય દ્વારા રજૂ કરીને પ્રેક્ષકોના મન મોહી લીધાં હતાં.
કથક ઉત્તર ભારતમાં આવેલા ઉત્તર પ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે. વેદિક સંસ્કૃત શબ્દ કથા પરથી તેનો આવિષ્કાર થયો છે. તેમાં કથાકાર નૃત્યના માધ્યમથી હાથ અને પગની મુદ્રાઓ દ્વારા વિવિધ કથાનું વર્ણન કરે છે. બીબીસી યંગ ડાન્સર (સાઉથ એશિયન) પુરસ્કારના વિજેતા શ્યામ દત્તાણીએ ઓમકારના નાદ સાથે 17 મિનિટના નૃત્યથી કાર્યક્રમના સ્થળને સંગીતના રાગો અને થાપથી મંત્રમુગ્ધ કરી દીધું હતું. કથક અને ઓડિસી નૃત્યનું ફ્યુઝન આ કાર્યક્રમની પરાકાષ્ટા હતી.
નૃત્યકારોનું સન્માન કરતાં ઓલિવૂડના ફિલ્મ સ્ટાર અને ભારતીય સાંસદ શ્રી અનુભવ મોહન્તીએ યુકેમાં ભારતીય કલાઓની જે રીતે જાળવણી થઇ રહી છે તેની પ્રશંસા કરી હતી. હાલમાં અનુભવ મોહન્તી અને તેમનું યુનિટ લંડનમાં ઓડિયા ફિલ્મ લવ ઇન લંડનનું શૂટિંગ કરી રહ્યાં છે. તેમણે લંડનમાં જગન્નાથ મંદિરના નિર્માણમાં તમામ સહાયનું વચન આપ્યું હતું.
હિન્દુ ફોરમ બ્રિટનના અધ્યક્ષ તૃપ્તિ પટેલે કોરોના મહામારી દરમિયાન એસજેએસયુકે દ્વારા અનાથાશ્રમોમાં બાળકોના શિક્ષણ સહિતના કરાયેલા સખાવતી કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા કોરોના મહામારી પછીના સમયગાળામાં વૃદ્ધોની કાળજી અને તમામના આરોગ્ય માટે લેવાયેલા પગલાં નોંધપાત્ર છે.
જાણીતા કાશ્મીરી લેખક, સમીક્ષક અને સામાજિક કાર્યકર સુશિલ પંડિતે જણાવ્યું હતું કે, મંદિરો સંસ્કૃતિ અને સંસ્કારોની જાળવણી કરે છે, 6000 વર્ષ જૂના સનાતન ધર્મની જાળવણી સુનિશ્ચિત કરે છે. લંડનમાં પ્રસ્તાવિત જગન્નાથ મંદિરને સમર્થન આપતાં તેમણે એસજેએસયુકેના ટ્રસ્ટીઓ અને સભ્યોને વૈશ્વિક ભાઇચારાના સનાતન ધર્મના સંદેશને સમગ્ર વિશ્વમાં પ્રસરાવવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ સંદેશો બાળકોમાં ફેલાવો જેથી ભાવિ પેઢીનો ભાઇચારો ધરાવતા વિશ્વમાં ઉછેર થાય.
એસજેએસયુકેના અધ્યક્ષ ડો. સહદેવ સ્વેને મહેમાનો અને હાજર પ્રેક્ષકોનો આભાર માનતાં સંસ્થાના સંદેશને દૂર દૂર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે મંદિર નિર્માણ અને જગન્નાથ કલ્ચરને યુકે તથા યુરોપમાં પ્રસરાવવા સમગ્ર વિશ્વના લોકોને પ્રોત્સાહિત કરવાનું આહવાન કર્યું હતું. ટ્રસ્ટની પ્રવૃત્તિ અંગે જાણકારી મેળવવા તેમણે વેબસાઇટ www.shreejagannatha.uk ની મુલાકાત લેવા વિનંતી કરી હતી.

