સાબરમતી કે સંત તુને અકેલે નહીં કિયા કમાલઃ પરેશ રાવલ

Wednesday 07th December 2022 05:16 EST
 
 

નડિયાદઃ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પહેલાં ભાજપનો પ્રચાર જોરશોરથી ચાલ્યો, જેમાં સ્ટાર પ્રચારક પરેશ રાવલ દ્વારા પણ અનેક સભાઓ ગજવવામાં આવી. મહુધા વિધાનસભાના ચુણેલ ગામે યોજાયેલી જનસભામાં ભાજપ નેતા પરેશ રાવલે ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું, ગાંધીજી સાથે અન્ય લોકોએ પણ આઝાદી અપાવી છે, ‘સાબરમતી કે સંત તુને અકેલે નહીં કિયા કમાલ... આ આઝાદીનું આપણે શું કરત... શું તેનું ચુરમું કરત?’
કહેવાય છે ને કે ઉત્સાહના આવેગમાં ઘણી વખત નેતાઓના બોલ બગડતા હોય છે, આવી જ કંઈ ભૂલ કરી પરેશ રાવલે. પરેશ રાવલે મહુધા વિધાનસભાના ચુણેલ ગામે ચૂંટણીસભા સંબોધી, જેમાં તેમણે આ વિવાદિત બોલ બોલતાં ખળભળાટ મચી ગયો છે. પરેશ રાવલે સભા પરથી કહ્યું હતું કે, જો સરદાર ન હોત તો આઝાદી કોઈ કામની નહોતી. મારી નજરે સરદાર પટેલ દેશના બીજા રાષ્ટ્રપિતા છે.
ઉલ્લેખનીય છે કે મહુધા વિધાનસભા મતવિસ્તાર વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે, જ્યાં પરેશ રાવલ ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાના પ્રચાર માટે આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થઈ હતી.


comments powered by Disqus