300 યુનિટ વીજળી ફ્રી, ગેસનો બાટલો 500માં આપીશુંઃ રાહુલ ગાંધી

Tuesday 06th September 2022 16:32 EDT
 
 

અમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. આ પહેલા રાહુલે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો 8 વચનો પાળવાની ખાતરી આપી હતી. રાહુલે 300 યુનિટ સુધી વિનામૂલ્યે વીજળી આપવાનું તો રાંધણગેસનો સિલિન્ડર 500 રૂપિયામાં આપવાનું વચન આપ્યું હતું. સાથે જ ખેડૂતોના 3 લાખ સુધીના દેવા માફ કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ,આરએસએસ અને વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સરદાર પટેલની મોટી મૂર્તિ બનાવી છે, પણ બીજી બાજું ખેડૂતોનું અપમાન કરીને ભાજપે સરદારનું જ અપમાન કરે છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં સત્તા આવશે તો છેલ્લા 27 વર્ષના ભ્રષ્ટાચારની તપાસ થશે અને દોષિતોને જેલભેગા કરાશે તેવો હુંકાર કર્યો હતો. રાહુલે સાબરમતી આશ્રમની મુલાકાત પણ લીધી હતી તથા હૃદયકુંજની બહાર પ્રાર્થનામાં પણ ભાગ લીધો હતો.

ખેડૂતો, નાના વેપારીઓની સરકાર નહિ બને ત્યાં સુધી રોજગાર ઉત્પન્ન નહિ થઈ શકે, ગુજરાતનો યુવાન ભટકતો રહેશે પણ નોકરી નહિ મળે, અમે પૂરું ફોકસ રોજગારી આપવામાં લગાવીશું, અને ગુજરાતના 10 લાખ યુવાનોને રોજગારી આપીશું, 2017ની જેમ જો આપણે લડીશું તો અહીં કોંગ્રેસની સરકાર બની જશે, આખી સરકાર બદલવી પડી એ જ બતાવે છે કે 5 વર્ષમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે. > રાહુલ ગાંધી


comments powered by Disqus