અમદાવાદ: 36માં નેશનલ ગેમ્સનું ગુજરાતમાં આયોજન થવા જઈ રહ્યું છે. આ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કર્ટન રેઈઝર ઈવેન્ટ દરમિયાન ગુજરાતમાં યોજાનારા નેશનલ ગેમ્સના મેસ્કોટને લોન્ચ કરાયું. નેશનલ ગેમ્સના મેસ્કોટ તરીકે રાજ્યનું ગૌરવ એવા ‘સાવજ’ને સ્થાન અપાયું. મેસ્કોટને નામ પણ ‘સાવજ’ આપવામાં આવ્યું છે. આ સાથે જ નેશનલ ગેમ્સની એન્થમ ‘જીતેગા ઈન્ડિયા, જુડેગા ઈન્ડિયા’ પણ લોન્ચ કરાઈ હતી. આ ઉપરાંત ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સની તમામ માહિતી એક જ સ્થળે મળી રહે તે હેતુસર NGGujarat એપ લૉન્ચ કરાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં કહ્યું કે,‘અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે અમદાવાદ શહેરમાં અન્ય સ્પોર્ટસ ફેસિલિટીના નિર્માણ બાદ અમદાવાદ વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરી આવશે. રાષ્ટ્રીય રમતોને પ્રોત્સાહન આપવા વર્ષ 2014ના રમત ગમતના ₹866 કરોડના બજેટને ₹ 2000 કરોડ સુધી પહોંચાડવામાં આવ્યું છે.’

