આણંદ: નગરના અક્ષરફાર્મ ખાતે બિરાજમાન પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ગણેશ ચતુર્થીના પાવન પર્વે વહેલા સવારે પોતાની નિત્ય પૂજા બાદ વેદોક્ત વિધિવિધાન અનુસાર મંત્રોચ્ચારના ઘોષ વચ્ચે વિઘ્નહર્તા અને દુંદાળા દેવ ગણપતિ મહારાજનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી.
આ પ્રસંગે વિવિધ 51 પ્રકારના લાડુના અન્નકૂટ સમક્ષ બિરાજિત શ્રીગણપતિ મહારાજને પ્રિય એવા મોદકને ધરાવીને સનાતન ધર્મની પ્રણાલીને ઉજાગર કરી સૌને શુભ પ્રેરણાઓ આપી હતી. યુવકોએ પ્રાસંગિક નૃત્ય દ્વારા આ ઉત્સવના વધામણાં કર્યા હતા. પૂજા બાદ દેવી વેશભૂષામાં સજ્જ યુવકોએ શ્રી ગણપતિ મહારાજની મુર્તિને આણંદના બીએપીએસ મંદિરે કલાત્મક પાલખી દ્વારા જઇ જઇને બિરાજિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે પરમ પજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સ્વસ્તે નિર્મિત શાસ્ત્ર ‘સત્સંગ દિક્ષા ગ્રંથ’માં પણ ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણપતિ મહારાજનું પૂજન કરવાની આજ્ઞા કરવામાં આવેલ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લિખિત શિક્ષાપત્રી ગ્રંથમાં પણ શ્રીહરિએ શ્રી ગણપતિ સહિત પાંચ દેવોને મુખ્ય ગણાવીને ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણપતિ મહારાજનું પૂજ્ય કરવાની આજ્ઞા કરેલ છે.

