લંડન: એકતરફ મોર્ગેજ અને એનર્જીના બિલ પરિવારોના બજેટ ખોરવી રહ્યાં છે ત્યારે ખાદ્યપદાર્થોમાં પ્રચંડ ફુગાવો એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં બ્રિટનમાં ખાદ્યપદાર્થઓનો ફુગાવો 2008 પછીની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો છે. જુલાઇ મહિનામાં ગ્રોસરી સ્ટોર્સમાં ખાદ્યપદાર્થની કિંમતોમાં 4.4 ટકાનો વધારો થયો હતો જેની સામે ઓગસ્ટમાં ખાદ્યપદાર્થઓની કિંમતોમાં વધુ 5.1 ટકાનો વધારો નોંધાયો છે આમ બે મહિનામાં કિંમતોમાં 9.5 ટકાનો વધારો થઇ ગયો છે. દૂધ, માર્ગારિન અને ક્રિસ્પ્સની કિંમતોમાં વધારાએ ફુગાવાને વધુ ભડકાવ્યો છે. બ્રિટિશ રિટેલ કોન્સોર્ટિયમના આંકડા અનુસાર ખાતર, ઘઉં, વેજિટેબલ ઓઇલની કિંમતોમાં વધારાએ ફુગાવાની આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. તાજા ખાધ્યપદાર્થોની કિંમતમાં 10.5 ટકા જેવો તોતિંગ વધારો થયો છે જે સપ્ટેમ્બર 2008 પછીનો સૌથી મોટો વધારો છે. જુલાઇ મહિનામાં તાજા ખાદ્યપદાર્થોની કિંમતોમાં 8 ટકાનો વધારો થયો હતો.
