અમદાવાદઃ દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરના પુસ્તકના ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે થયું હતું. આ પ્રસંગે વિદેશ મંત્રીએ પુસ્તકના વિષય અને એમાં વ્યક્ત કરેલાં એમના વિચારો વિશે જણાવ્યું હતું. જોકે, તેમણે વિદેશમંત્રી તરીકે પોતાની વિદેશનીતિનો દારોમદાર ગુજરાતીઓ ઉપર નિર્ભર હોવાની મહત્ત્વપૂર્ણ ટકોર કરતાં જણાવ્યું હતું કે મારી વિદેશનીતિ તો ગુજરાતીઓ પર સૌથી વધુ નિર્ભર છે. ગુજરાતીઓ વિદેશમાં જઈ વેપાર-વાણિજ્ય ફેલાવશે તો મારી વિદેશનીતિ પણ આગળ વધશે. તેમણે એવો આશાવાદ પણ સેવ્યો હતો કે 2047માં ભારત કમ સે કમ દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર તો બની જ જશે. સાથે જ મહાભારતમાંથી કુટનીતિના પાઠ દરેકે શીખવા જોઈએ એમ પણ જણાવ્યું હતું.
ભારતીય વિચાર મંચ, ફાઉન્ડેશન ફોર પબ્લિક અવેરનેસ એન્ડ પોલિસી અને આર.આર. શેઠ એન્ડ કંપની દ્વારા સંયુક્ત રીતે વિદેશ મંત્રીના મૂળ અંગ્રેજી પુસ્તક ધી ઈન્ડિયા વેઃ સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેઈન વર્લ્ડના ગુજરાતી અનુવાદ નવા ભારતની રણનીતિના લોકાર્પણ પ્રસંગે વિદેશ મંત્રી એસ. જયશંકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાખ્યાન પણ આપ્યું હતું.
તેમણે પોતાના પ્રેરક વક્તવ્યમાં કુટનીતિના સંદર્ભમાં સૌથી વધુ પ્રાધાન્ય મહાભારતને આપ્યું હતું અને કહ્યું હતું કે આપણે કૂટનીતિના મુદ્દે વિદેશી વિદ્વાનો, પુસ્તકોની ચર્ચા કરીએ છીએ પરંતુ ‘મહાભારત’માં જે રીતે કૂટનીતિ સમાવિષ્ટ છે એના પાઠ અને પડકારો અન્ય ક્યાંય નહીં મળે. આપણે મહાભારતનું ગર્વ લેવું જોઈએ અને એનાથી કૂટનીતિના પાઠ શીખવા જોઈએ. વર્તમાનમાં પણ મહાભારત જેવી રાજનીતિ ચારે તરફ જોવા મળી રહી છે. શું પગલા લઈએ? એના પરિણામ શું હશે? એ ચિંતા અર્જુનને હતી અને એ જ ચિંતા આજે રાજનીતિમાં પણ હોય છે. મહાભારતમાં ભીષ્મ, દ્રોણ, યુધિષ્ઠિર, અર્જુન જેવા પાત્રો દુવિધામાં હતા કે તેમને જેમની સાથે લડવાનું છે એ તો બધા પોતાના જ છે. એવી જ દુવિધા આજે પણ આપણી સામે નિર્ણયો લેતા સમયે આવે છે. પરંતુ રાજનીતિમાં દેશના હિતમાં કઠોર નિર્ણયો લેવા પડે છે. જેવા મહાભારતમાં લેવામાં આવ્યા હતા.
તેમણે પોતાના પુસ્તક વિશે જણાવ્યું હતું કે 2014માં ભારતની વિદેશનીતિએ એક નવા યુગમાં પ્રવેશ કર્યો હતો અને મારે દુનિયા સામે એ વાત મૂકવી હતી. એટલે મારી વાતોને પુસ્તકનું સ્વરૂપ આપ્યું. પુસ્તકમાં એક ચેપ્ટર અવધનું છે જેનું નિષ્કર્ષ એવું છે કે આપણું લક્ષ્ય વિકાસ અને અર્થતંત્ર હોવું જોઈએ પરંતુ દુનિયાને નજરઅંદાજ ન કરવું જોઈએ. દુનિયા આપણા ઘરમાં ઘૂસીને રાજ ન કરવા લાગે એ સુનિશ્ચિત કરવું જોઈએ. ત્યારપછી વૈશ્વિકરણના મામલે જાગરૂકતા વધારવી જરૂરી છે. કેમ કે વૈશ્વિકરણે આપણું રોજિંદુ જીવન બદલી કાઢ્યું છે. ત્યાર પછી ડોગ્માસ ઓફ દિલ્હી ચેપ્ટરમાં મેં કહ્યું છે કે જૂના અને પરંપરાગત વિચારોને તિલાંજલિ આપીને પરિવર્તન અપનાવવું જોઈએ. વડાપ્રધાને 2014માં પીએમ પદના શપથ લીધા ત્યારે પાડોશી દેશના નેતાઓને બોલાવીને બધાને ચમકાવ્યા હતા અને એ એક નવી સોચ હતી. જેણે રૂઢિઓને તોડીને એક નવી પહેલ કરી હતી. તે પછીના એક ચેપ્ટરમાં ‘ફીડબેક’ લેવાની વાત છે અને વડાપ્રધાનનો એ સૌથી ગમતો શબ્દ છે. સુશાસન માટે ફીડબેક લેતાં રહેવું ખૂબ જરૂરી છે.
પાડોશી દેશો સાથેના સંબંધ વિશે તેમણે કહ્યું હતું કે ચીન આપણો સુપર પાડોશી છે. શક્તિ, અર્થતંત્ર અને વિકાસ માટે અમારે એની પાસેથી શીખવું જોઈએ. પરંતુ આપણા હિતોને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. જાપાનનું મહત્ત્વ તો ગુજરાતીઓથી સૌથી વધુ સારું કોઈ જાણતું જ નથી. જોકે, આપણી તો વિદેશનીતિમાં પણ સબકા સાથ સબકા વિકાસની નીતિ અપનાવાઈ છે. આપણા હિતને આગળ વધારવા દરેકનો સાથ લેવો જરૂરી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે આપણી સામે અનેક પડકારો છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે દુનિયા આપણી વ્યાખ્યા કરશે કે આપણે દુનિયાની વ્યાખ્યા કરીશું.
કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે આપણા ત્યાં ધર્મ, ભાષાને લઈને જો ભેદભાવ હશે તો દુનિયામાં એવી શક્તિઓ હશે જે એનો ફાયદો ઉઠાવવા માટે તલપાપડ હશે. તેથી આપણે માટે એકતા ખૂબ જ જરૂરી છે. દેશમાં રાષ્ટ્રીય એકતા અત્યંત જરૂરી છે.
કાર્યક્રમ દરમિયાન પુસ્તકના ગુજરાતી અનુવાદક વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીએ વિદેશમંત્રીને ગુજરાતી આવૃત્તિ ભેટમાં આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપના ફોરેન અફેર્સ ડિપાર્ટમેન્ટના ઈન્ચાર્જ ડો. વિજય ચૌથાઈવાલાએ પુસ્તકનું શાબ્દિક પરિચય આપ્યું હતું. તે ઉપરાંત આર.આર.શેઠ એન્ડ કંપનીના નિર્દેશક ચિંતન શેઠે વિષયાનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ભારતીય વિચાર મંચના પ્રાંત અધિકારી સુનિલભાઈએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના શહેર અધ્યક્ષ શિરીષ કાશિકરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
વિદેશમંત્રીના મતે 75 વર્ષના ઈતિહાસમાં ભારતને લાગેલી ત્રણ સૌથી મોટી ચોટ
• વિભાજનઃ ભારતનું વિભાજન એ સૌથી મોટી ચોટ હતી. તેના લીધે ભારત ક્ષેત્રની દ્રષ્ટિએ નાનું થયું અને ત્યારબાદ આજ સુધી તેના રાજનીતિ અને સ્ટ્રેટેજીનું નુકસાન ભોગવી રહ્યા છીએ.
• આર્થિક સુધારાઃ આપણે આર્થિક સુધારાના નિર્ણય લેવામાં મોડું કર્યું એ પણ મોટી ભૂલ ગણી શકાય. ચીન કેટલું આગળ છે એવું આપણે કહીએ છીએ. જોકે, ચીને આપણા કરતાં 15 વર્ષ પહેલાં આર્થિક સુધારા કર્યા હતા.
• પરમાણુ પરિક્ષણઃ આપણે પહેલું પરમાણુ પરિક્ષણ 1974માં કર્યું હતું ત્યારબાદ 1998માં કર્યું હતું જેમાં આપણે ખૂબ વિલંબ કર્યો.

