પાકિસ્તાન જેલમાંથી કુલદીપની મુક્તિ ચમત્કાર જ કહેવાય

Tuesday 06th September 2022 16:40 EDT
 
 

અમદાવાદઃ જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં ૨૮ વર્ષથી બંધ કુલદીપ યાદવ અંતે ભારત પાછા આવી ગયા. એક વાર પાકિસ્તાનમાં ઝડપાયેલો ભારતીય જાસૂસ પછી પાકિસ્તાનમાં જ મરે ને કદી ફરી વતનમાં પાછો ના આવી શકે એવી માન્યતા છે. પાકિસ્તાન તેને ફાંસીએ લટકાવીને જ છોડે. સરબજીતસિંહને પાકિસ્તાને એ રીતે ફાંસીએ લટકાવી દીધેલો ને બીજા ભારતીય કુલભૂષણ જાદવના માથે પણ તલવાર લટકી રહી છે ત્યારે કુલદીપ યાદવ વતન પાછા ફર્યા એ ચમત્કારથી કમ નથી.

કુલદીપ યાદવ અત્યારે 59 વર્ષના છે. 1991માં ભારતની જાસૂસી સંસ્થા રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ના એજન્ટ તરીકે પાકિસ્તાન મોકલાયા ત્યારે તેમની ઉંમર 28 વર્ષ હતી. ત્રણ વર્ષ લગી પાકિસ્તાનમાં રહીને ભારત માટે કામ કર્યા પછી 1994માં પાકિસ્તાન આર્મીએ કુલદીપને ઝડપી લીધા હતા. કુલદીપ ભારત પાછા આવવા માટે સરહદની આસપાસ આંટાફેરા કરી રહ્યા હતા ત્યારે જ સ્થાનિક લોકોની નજરે ચડી ગયેલા. લોકોએ લશ્કરને જાણ કરતાં લશ્કર તેમને ઉઠાવીને લઈ ગઈ હતી.

આર્મીના અધિકારીઓએ કુલદીપને તોડવા બેફામ અત્યાચારો કર્યા ને યાતનાઓ આપી. તેની પાસેથી માહિતી ઓકાવવા માટે બધું કરી લીધું. આ પ્રયત્નો કેટલા ફળ્યા એ ખબર નથી પણ છેવટે પાછા પોલીસને સોંપાયા. કુલદીપ સામે કેસ ચલાવાયો ને આજીવન કારાવાસની સજા ફટકારાઈ. મોટા ભાગના ભારતીયોને રખાય છે એ કોટ-લખપતની જેલમાં કુલદીપને મોકલી દેવાયા.

કોટ-લખતપતની જેલમાં પણ અધિકારીઓ અમાનુષી અત્યાચારો કરતા. મોટા ભાગના કેદીઓ આ અત્યાચારો સહન કરી શકતા નથી પણ કુલદીપ યાદવ ભારતની માટીના બનેલા હતા તેથી ટકી ગયા. કુલદીપ યાદવના પરિવારને 1992માં કુલદીપ પાકિસ્તાન ગયા પછી દીકરો શું કરે છે તેની ખબર જ નહોતી. 1997માં પાકિસ્તાન સરકારે ભારતીય કેદીઓને પત્ર લખવાની છૂટ આપી પછી તેમણે પરિવારને પત્ર લખ્યો ત્યારે પરિવારને કુલદીપના જીવતા હોવાની જાણ થઈ હતી.

પત્ર મળતાં તેમનાં બહેન રેખાએ ભાઈને ભારત પાછા લાવવા પ્રયત્નો શરૂ કર્યા ને ઠેર ઠેર રજૂઆતો કરી પણ એ પ્રયત્નો ફળ્યા નહીં. કુલદીપે 27 વર્ષ જેલમાં કાઢી નાંખ્યાં. પાકિસ્તાને જેમને ફાંસીની સજા આપી હતી એ સરબજીતસિંહ પણ તેમની સાથે જ જેલમાં હતા. દર પંદર દિવસે સરબજીત તેમને મળતા. બીજા કેદીઓ પણ મળતા ને પોતાનાં દુ:ખ વહેંચતા. સરબજીતને બિમારીના કારણ ગુજરી ગયા હોવાનું જાહેર કરાયેલું. સરબજીતની હત્યા કરાઈ હોવાનું બધા જાણતા હતા પણ કોઈ કશું કરી શકે તેમ નહોતું. દરેકને પોતાનો આ અંજામ ના આવે તેનો ડર હતો.

પાકિસ્તાનના જેલવાસ દરમિયાન આવા તો ઘણા પ્રસંગો આવ્યા કે જ્યારે થડકી જવાતું. એ થડકારાને ખાળવા ભારે માનસિક હિંમત જોઈએ. કુલદીપમાં એ હિંમત હતી તેથી ટકી ગયા. 2021માં તેમની સજા પૂરી થતી હતી છતાં તેમને છોડાયા નહીં. કુલદીપ સહિતના કેદીઓને છોડાયા નહી તેની સામે માનવાધિકાર માટે લડતી પાકિસ્તાની સંસ્થાઓએ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં પછી સુપ્રીમ કોર્ટે કુલદીપ યાદવને કોર્ટમાં હાજર કરવા ફરમાન કરેલું.

કુલદીપને 2022ના જૂનમાં હાજર કરાયા પછી સુપ્રીમ કોર્ટે 15 દિવસમાં મુક્ત કરવા ફરમાન કરતાં કુલદીપની મુક્તિ શક્ય બની. કુલદીપ વાઘા બોર્ડર થઈને અમૃસતર આવ્યા ને પછી ત્યાંથી અમદાવાદ આવ્યા. 28 વર્ષ જેલમાં રહીને આવેલા કુલદીપ માટે પોતાનું વતન નવી જ દુનિયા બની ગયું હતું. ત્રણ દાયકામાં ભારત એટલું બદલાયુ છે કે, પરિવાર ના હોત તો કુલદીપ ઘરે પણ ના પહોંચી શક્યા હોત.

કુલદીપની હિંમતને સલામ કરવી જોઈએ કે, આટલો લાંબો સમય જેલમાં રહ્યા છતાં ના તેમણે દેશ સાથે ગદ્દારી કરી કે ના પોતે પણ તૂટી ગયા. પાકિસ્તાનની જેલમાં ગયા પછી એક લાંબી લડાઈ લડવાની હતી કે જે બહુ ઓછા લોકો લડી શકે છે. ગમે ત્યારે આવી ચડતા અધિકારીઓ એવા અત્યાચાર કરતા કે જેની વાતો સાંભળીને જ પરસેવો છૂટી જાય. સતત શારીરિક ને માનસિક યાતનાઓ અપાતી તેથી આ લડાઈમાં ભલભલા તૂટી જતા. કુલદીપે એ લડાઈ જીતી બતાવી છે પણ હવે ભારત પાછા ફર્યા પછી નવી લડાઈ શરૂ થઈ છે.

કુલદીપના પરિવારમાં બહેન રેખા અપરણિત છે જ્યારે ભાઈનો પરિવાર છે પણ એવો સધ્ધર નથી. કુલદીપ પાસે પોતાનું ઘર નથી, કમાણીનું કોઈ સાધન નથી કે કોઈ બચત નથી. ૨૮ વર્ષ જેલમાં ગાળ્યા પછી એ કોઈ કામ કરી શકે તેમ નથી. આ સંજોગોમાં કુલદીપે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની નવી લડાઈ લડવાની છે.

કુલદીપે દેશ માટે આપેલા બલિદાનના બદલામાં સરકાર પાસે મદદ માંગી છે પણ અત્યારે સુધી કોઈ હકારાત્મત પ્રતિભાવ આવ્યો નથી. કુલદીપના યોગદાનને પણ કોઈ યાદ કરતું નથી તેથી તેના માટેની લડાઈ લડવાની છે.

રેખાએ ભાઈ કુલદીપને ભારત પાછો લાવવાની રજૂઆત કરવામાં કોઈ સત્તાધીશનો દરવાજો નથી છોડયો. કુલદીપ પાકિસ્તાનમાં પકડાઈ ગયો ત્યારે ચીમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા જ્યારે નરસિંહરાવ વડાપ્રધાન હતા. ચીમનભાઈથી માંડીને ભૂપેન્દ્ર પટેલ સુધીના તમામ મુખ્યમંત્રીઓ અને નરસિંહરાવથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાન સમક્ષ રેખાએ કુલદીપને મુક્ત કરાવવા રજૂઆત કરી છે.

આ સિવાય દેશના રાષ્ટ્રપતિ, સંરક્ષણ મંત્રીઓ સુધીના તમામ સમક્ષ રેખા રજૂઆત કરી ચૂક્યાં છે. રેખાના આ પ્રયત્નો ફળ્યા છે. 28 વર્ષ જેટલો લાંબો સમય જેલમાં ગાળ્યા પછી અંતે કુલદીપની મુક્તિ થઈ અને એ ભારત પાછા આવે પરિવારને મળી શક્યા છે.

રેખાએ ભાઈ ન આવે ત્યાં સુધી લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધેલી

કુલદીપનાં બહેન રેખા યાદવે ભાઈને ભારત પાછો લાવવા માટે બહુ લાંબી લડાઈ લડી છે. રેખા પણ ભાઈના રસ્તે ચાલીને દેશની સેવામાં લાગેલાં છે અને બોર્ડર સીક્યુરિટી ફોર્સ (બીએસએફ)માં રાજસ્થાનના જોધપુર ખાતે ફરજ બજાવે છે. રેખાએ સોગંદ ખાધા હતા કે, જ્યાં સુધી પોતાનો ભાઈ પાછો નહીં આવે ત્યાં સુધી પોતે લગ્ન નહીં કરે. રેખાએ આ પ્રતિજ્ઞા પાળી છે અને હજુ અપરણિત છે.

કુલદીપ અમદાવાદમાં પાનનો ગલ્લો ચલાવતા

યાદવ પરિવાર મૂળ દહેરાદૂનનો છે. કુલદીપના પિતા નાનકચંદ યાદવ ઓએનજીસીમાં નોકરી કરતા હતા તેથી 1972માં અમદાવાદ આવ્યા ને અહીં જ વસી ગયા. અત્યારે પણ સાબરમતી વિસ્તારમાં તેમનો પરિવાર વસે છે. કુલદીપનો જન્મ દહેરાદૂનમાં થયેલો, સાતમા ધોરણ સુધી દહેરાદૂનમાં જ ભણ્યા પછી પિતા અમદાવાદ આવતાં બાકીનું શિક્ષણ અમદાવાદમાં લીધું. સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરનારા કુલદીપને કોઈ સારી નોકરી ન મળતાં પાનનો ગલ્લો ખોલ્યો હતો. ગ્રેજ્યુએશન પછી વકીલ બનવા એલએલબી પણ શરૂ કરેલું પણ પૂરું નહોતું થઈ શક્યું. પાનના ગલ્લામાંથી બહુ આવક નહોતી થતી તેથી ગેરેજ ખોલ્યું હતું પણ તેમાં પણ કમાણી નહોતી. કમાણી માટે સ્કૂલનાં છોકરાનાં ટયુશન પણ કરતા પણ બરકત નહોતી આવતી તેથી શું કરવું તેની મૂંઝવણ હતી ત્યાં દેશ માટે કામ કરવાની ઓફર આવી. પાકિસ્તાન જઈને જાસૂસી કરવાની હતી તેથી જીવનું જોખમ હતું, પકડાઈ જવાનો ખતરો હતો પણ દેશદાઝ એટલી હતી કે એ બધો વિચાર કર્યા વિના કુલદીપ યાદવે હા પાડી દીધી. આ નિર્ણયે કુલદીપની જીંદગી બદલી નાંખી. 1992માં તેમને પાકિસ્તાન મોકલાયા ત્યારે એમ જ હતું કે ત્રણ વર્ષમાં પાછા વતન આવી જવાશે પણ ત્રણ દાયકા લાગી ગયા.


comments powered by Disqus