વઢવાણઃ પંચમહાલ લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક લાઇફ મિશનના પ્રણેતા સિદ્ધયોગી સ્વામી રાજર્ષિમુનિ 91 વર્ષની વયે વડોદરા ખાતે બ્રહ્મલીન થયા હતા. તેમના પાર્થિવ દેહને લીંબડી પાસેના રાજરાજેશ્વર ધામ ખાતે લવાયો હતો અને 31 ઓગષ્ટે બપોરે હજારો અનુયાયીઓની ઉપસ્થિતિમાં રાજર્ષિ મુનિજીની અંતિમ સંસ્કાર વિધિ રાજરાજેશ્વર ધામ ખાતે થઈ હતી.
લાઈફ મિશન સાથે સંકળાયેલા અમલાનંદજીએ જણાવ્યું હતું કે રાજર્ષિ મુનિને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા ત્યાં તેમનું દેહાવસાન થયું હતું. તેમના નશ્વરદેહને લીંબડીના જાખણ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં અંતિમસંસ્કાર કરાયા હતા ત્યારે અનેક રાજકીય આગેવાનો તેમના અંતિમ દર્શન માટે જાખણ ગામે ઉમટી પડ્યા હતા તથા અનુયાયીઓ પણ મોટી માત્રામાં લીંબડીના જાખણ ગામ ખાસે ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે વર્ષ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન બદલ સિદ્ધયોગી સ્વામી રાજર્ષિ મુનિને પ્રધાનમંત્રી એવોર્ડ એનાયત કર્યો હતો. રાજર્ષિ મુનિના માર્ગદર્શન હેઠળ એક લાખથઈ વધુ લોકો યોગ શીખ્યા છે. જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સામેલ છે. તેઓ લકુલીશ ઈન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઈમેન્ટ મિશન (લાઈફ મિશન)ના પ્રણેતા છે. આ સંસ્થાનું વડું મથક રાજરાજેશ્વર ધામ, લીંબડી ખાતે આવેલું છે. આ સંસ્થાના કેન્દ્રો અમેરિકા, કેનેડા, યુકે અને રશિયામાં પણ આવેલા છે. રાજર્ષિ મુનિના લગભગ 36 જેટલા અંગ્રેજી ભાષામાં પુસ્તકો પ્રકાશિત થયા છે અને એમાંના કેટલાકનો રશિયન, ઇટાલિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદ થયો છે. જ્યારે ગુજરાતીમાં 116 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે.
રાજર્ષિ મુનિનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. રાજર્ષિ મુનિનું પૂર્વાશ્રમનું નામ યશવંતસિંહ જાડેજા હતું. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1931ના રોજ થયો હતો. 9 ફેબ્રુઆરી 1971ના રોજ કૃપાલવાનંદજી પાસેથી તેમણે દીક્ષા પ્રાપ્ત કરી રાજર્ષિ મુનિ બન્યા.
રાજર્ષિ મુનિએ સુરેન્દ્રનગર-લીંબડી નજીક જાખણ ગામે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રિદેવનું મંદિર સ્થાપ્યું છે. જેને રાજકીય ક્ષેત્રમાં પણ અનેક પ્રકારની સેવા કરી કાર્યો કર્યા છે જેના કારણે તેમની એક આગવી ઓળખ બની હતી. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, મોરારિબાપુએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.

