અમદાવાદ: 28 એપ્રિલના રોજ કેનેડા-અમેરિકા બોર્ડર વચ્ચે વહેતી સેન્ટ રેજિસ નદીમાં બોટ દ્વારા છ ગુજરાતી યુવકો અમેરિકામાં ઘૂસી ગયા હતા. જોકે, અમેરિકામાં ઘૂસી ગયા બાદ તેમની બોટ ડૂબવા લાગી હતી, અને આ તમામ હાડ થીજવી દે તેવા પાણીમાં ડૂબવાની તૈયારીમાં હતા તે જ વખતે સ્થાનિક પોલીસે તેમને બચાવી લીધા હતા. આ છ યુવકોએ મહેસાણાની એક ધાર્મિક સંસ્થા દ્વારા લેવાયેલી IELTSની પરીક્ષા આપી હતી. આ આરોપીઓ સાથે અન્ય 221 લોકોએ પણ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ આ પરીક્ષામાં 8 બેન્ડ લાવનારા બીજા લોકોને શોધી રહી છે.
અમેરિકામાં ઘૂસતા પકડાયેલા અમિત પટેલ, ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વેશ પટેલ, સાવન પટેલ, દર્શન પટેલે પણ IELTSના આવા જ એક સેન્ટરમાં પરીક્ષા આપીને 8 બેન્ડ મેળવ્યા હતા, પરંતુ હકીકત એ છે કે તેઓ ઇંગ્લિશમાં ભાગ્યે જ કંઈ બોલી શકે છે. આ તમામ છ પાટીદાર યુવકોને અમેરિકા મોકલવાનું કામ કુખ્યાત એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલે હાથમાં લીધું હતું. 5 મેના રોજ અમેરિકાના અધિકારીઓએ એવી માહિતી આપી હતી કે અમેરિકન નાગરિક બ્રાયન લેઝોરે આ તમામને બોટમાં બેસાડી બોર્ડર ક્રોસ કરાવી હતી. જોકે, તેમની બોટ ડૂબવા લાગતા આખાય પ્લાન પર પાણી ફરી ગયું હતું. ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ તમામ આરોપીને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપીને તમામને પ્રોસેસ પૂરી થયા બાદ ભારત પરત મોકલી દેવા આદેશ કર્યો છે. એટલું જનહીં, કોર્ટ આ લોકોને એવી ટકોર પણ કરી હતી કે તેઓ પોતાના દેશમાં જઈને બીજા લોકોને કહે કે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ ના કરવો.
