ઓપરેશન બ્લ્યૂ સ્ટારની વરસી પર સુવર્ણ મંદિર બહાર ભિંડરાનવાલેના પોસ્ટર્સ ફરક્યા

Wednesday 08th June 2022 09:56 EDT
 
 

અમૃતસર: ઓપરેશન બ્લ્યૂ સ્ટારની ૩૮મી વરસી હતી જેને ધ્યાનમા રાખીને પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થામાં જોરદાર વધારો કરાયો હતો તેની વચ્ચે ખાલિસ્તાન સમર્થક જૂથે સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર ઉપર જરનૈલસિંહ ભિંડરાનવાલેના પોસ્ટર્સ ફરકાવ્યા હતાં અને ખાલિસ્તાનના સમર્થનમાં નારેબાજી કરી હતી. સવારથી જ લોકો સુવર્ણ મંદિરના પ્રવેશદ્વાર પાસે જમા થઈ ગયા હતાં. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં દેખાય છે કે ભિંડરાનવાલેના પોસ્ટર્સ અને ખુલ્લી તલવારો લહેરાવતાં જૂથના સભ્યોએ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતાં. અહેવાલો અનુસાર ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ સેંકડો લોકો મંદિર સુધી પહોંચી ગયા હતાં. ઓપરેશન બ્લ્યૂ સ્ટારની વરસી હોવાના કારણે અમૃતસરમાં વધારાના સુરક્ષા બળોને તૈનાત કરવામાં આવ્યા હતાં અને કોઈપણ વાહનને સુવર્ણ મંદિર સુધી જવાની અનુમતિ ન હતી આવા સંજોગોમાં ખાલિસ્તાન સમર્થકો કેવી રીતે મંદિર સુધી પહોંચી ગયા તે તપાસનો વિષય છે.
નોંધનીય છે કે દલ ખાલસા નામના એક સંગઠને ઓપરેશન બ્લ્યૂ સ્ટારની વિરુદ્ધ વિવિધ સ્થાનો પર પોસ્ટર લગાવી દીધા હતા તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળના જવાનોની સંખ્યા વધારવામાં આવી હતી. અમૃતસરની સુરક્ષા માટે સાત હજાર જવાનો તૈનાત હતાં. આવી જડબેસલાક વ્યવસ્થા છતાં પણ એક જૂથ દરબાર સાહેબના પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયું હતું.


comments powered by Disqus