રાજકોટઃ કેરીના સ્વાદરસિયાઓની મજા આ વર્ષે બગડી ગઈ છે. સીઝન અંત ભણી સરકી રહી છે છતાં જોઈએ તેવું ફળ માંડ માંડ મળે છે. તાલાલા કેસર કેરીનું ઘર ગણાય છે. ત્યાં વાવાઝોડું અને પ્રતિકૂળ વાતાવરણથી કેરીના પાકનો સોંથ વળી જતા ખેડૂતોને પારાવાર નુકસાની સહવી પડી છે. દર વર્ષે કેરીની ખરીદી માટે પડાપડી થઈ હોય છે પણ આ વર્ષે માગ સામે પુરવઠાને અભાવે સ્વાદ રસિયાઓને નિરાશ થવું પડ્યું છે. હવે સીઝન પૂરી થવા આવી છે. ત્યારે માંડ પંદરેક દિવસ કેરી ખાવા ળે એમ છે. તાલાલમાં આવક વધી જતા જથ્થાબંધ ભાવ પેટીએ રૂ. 1000ની અંદર ગયો છે. કેરી દુર્લભ ફળ હોય એમ ઘણા લોકોએ કેરીનો સ્વાદ ચાખ્યો પણ નથી!
જાણકારોએ કહ્યું કે, સીઝનની શરૂઆતમાં પ્રથમ દિવસે તાલાલામાં એક બોક્સના રૂ. 1350માં વેપાર થયા હતા. પછી ક્રમશ ઊંચકાઈને રૂ. 1500ની ટોચે ભાવ પહોંચ્યા હતા પણ સમય જતા ભાવ ગગડવા લાગ્યા છે. હવે તાલલામાં પ્રતિ બોક્સના રૂ. 450-975માં વેપાર થયા હતા. રૂ. 1000-1100 પણ પણ સારું ફળ મળતુ ન હોવાથી લોકોમાં આ વર્ષે કેરીએ અસંતોષ જન્માવ્યો છે. તાલાલામાં સ્થાનિક કેરીની આવક હવે નહીવત્ થઈ ગઈ છે.

