અમદાવાદ: ગુજરાતની જનતા સારી પેઠે જાણે છે કે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કેટલું સારું કામ કર્યું છે. આજે ગુજરાતની જનતા પણ પરિવર્તન ઈચ્છે છે. ગુજરાતના લોકોને પણ મફત વીજળી, ટોપ કક્ષાની સરકારી શાળા અને હોસ્પિટલ જોઈએ છે. મહેસાણામાં ત્રિરંગા યાત્રાને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહારો કર્યા કે, આપ ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે. લોકોએ ભાજપથી ડરવાથી જરૂર નથી. ગુજરાતમાં ય થોડાક મહિનામાં જ પરિવર્તન થવાનું છે. કેજરીવાલે પૂર્વ સૈનિકોની માંગ સ્વિકારી શહીદોના પરિવારોને રૂ. 1 કરોડની સહાય આપવા માંગ કરી હતી.
મહેસાણામાં પરિવર્તન યાત્રાના સમાપન સમારોહમાં સંબોધન કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ભાજપનો એક માત્ર ઈલાજ આપ પાર્ટી જ છે. ભાજપ માત્ર આપ પાર્ટીથી જ ડરે છે. બીજા કોઈથી ડરતા નથી. હું ગુજરાતની જનતાના પૂછવા માંગું છું કે હું લોકોને 24 કલાક મફત વીજળી આપું છું. હું બાળકો માટે સારી સરકારી શાળા બનાવું છું. લોકોને સારી તબીબી સુવિધા મળી રહે તે માટે સારી હોસ્પિટલ બનાવું છું. તો શું હું મહાઠગ કહેવાઉં.... આજે એમને ખબર પડી ગઈ હશે કે ગુજરાતની જનતા કોને મહાઠગ માને છે.
પૂર્વ સૈનિકોના મુદ્દે કેજરીવાલે જણાવ્યું કે હું જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યો ત્યારે મને ખબર પડી કે પૂર્વ સૈનિકો ધરણાં પર બેઠાં છે. આજે દેશના સૈનિકોને ધરણાં પર બેસવું પડે તે દુઃખની વાત છે. દિલ્હીમાં કોઈ પોલીસ કર્મચારી શહીદ થાય તો સરકાર દ્વારા રૂ. 1 કરોડ સન્માન રાશિ આપવામાં આવે છે. ગુજરાતમાં પણ કોઈ શહીદ થાય તો રૂ. 1 કરોડ રાશિ આપવી જોઈએ. આ ઉપરાંત સૈનિકોની તમામ માંગો સ્વીકારવી જોઈએ.

