ગુજરાતમાં કેરીની બે-પાંચ નહીં એક હજાર જાત, કેટલાંક નામો છેઃ વનરાજ, રસરાજ, હાથીઝૂલા, દૂધપેંડા અને ટનેંરુ

Wednesday 08th June 2022 10:11 EDT
 
 

આણંદ: શું તમે ક્યારેય દૂધપેંડા નામની કેરીનું નામ સાંભળ્યું છે ? સરદાર નામની કેરી એમ તમને કોઈ કહે તો તમને આશ્ચર્ય થશે, ખરૂં ને ? મલ્લિકા નામની કેરીનું નામ કહું તો તમને હિરોઈન યાદ આવે. આ તો માત્ર બે-ત્રણ નામ કહ્યા આવા તો અલગ-અલગ 300 કેરીના નામ છે કે જે સાંભળીને તમને હસવું આવે. પરંતુ આ પ્રકારની કેરીઓ આણંદમાં મળે છે. હા, આ વાત સાચી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કેરીઓની વિવિધ 300 જાતનું એક દિવસ માટેનું પ્રદર્શન આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન બી. એ. કૃષિ મહાવિદ્યાલયમાં યોજાયું હતું. જેને જોવા માટે શહેરીજનો ઉમટ્યા હતા. કેરીઓના નામ સાંભળીને સૌના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો.
પ્રયોગો કરીને રોપા તૈયાર કરે છે
હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. જે. એસ. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય લોકો મોટાભાગે અથાણાંની રાજાપુરી કેરી, કેસર કેરી, તોતાપુરી, લંગડો, અમૃતાંગ, રસરાજ સહિતની કેરીઓથી જ પરિચિત છે. પરંતુ વિભાગ દ્વારા બેંગલોરી લંગડો, આમ્રપાલી, વનરાજ, વનલક્ષ્મી, હાથીઝુલા, દૂધપેંડા, પંચાલ ઉટખરી, મલ્લિકા, દશેરી, ટનેરું, ટોમીએટકીન્સ, લંબોદર, આલ્ફાનસો, નીલફાન્સો સહિતની અનેક કેરીઓ પણ તૈયાર કરી છે. પ્રથમ યુનિવર્સિટીના સંકુલમાં તેના પર પ્રયોગો કરી હાઈબ્રિડ રોપાઓ તૈયાર કરવામાં આવે છે. અને એ પછી અનેક વર્ષોની સફળતા બાદ તેને બજારમાં મૂકવામાં આવે છે.
વિવિધ જગ્યાએથી કેરીઓ લાવવામાં આવી
આ પ્રદર્શનમાં આણંદ ઉપરાંત, મધ્ય ગુજરાતમાંથી જેમાં વડોદરા, દાહોદ, ગાંધીનગર, નડિયાદ, વસો, જબુગામ જેવા સ્થળોએથી કેરીનું કલેક્શન કરી પ્રદર્શનમાં લાવવામાં આવી હતી. વિવિધ પ્રકારની કેરીઓનું વેચાણ યુનિવર્સિટી ખાતે પણ કરવામાં આવે છે.


comments powered by Disqus