જામનગરઃ જામનગરમાં કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટમાં સુનાવણી શરૂ થઇ છે. ભારત સરકાર દ્વારા જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે હત્યા, હત્યાની કોશિશ, ખંડણી સહિતના મુદ્દાઓ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા છે લંડનની કોર્ટમાં હવે આ મુદ્દે જંગ જામશે. જયેશ પટેલનો કબજો ભારતને મળશે કે કેમ તે નક્કી થશે.
જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલને લંડનની વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં વીડિયો કોન્ફરન્સી મારફતે રજૂ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર વતી વકીલે દલીલો કરી તેમાં પ્રત્યાર્પણ માટેની માંગણી કરી હતી. જેમાં એડવોકેટ કિરીટ જોષીની હત્યા, બિલ્ડર ગિરીશ ડેર અને પ્રો. પરસોત્તમ રાજાણીની હત્યાની કોશિષ તેમજ ખંડણીઓ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર દ્વારા પ્રત્યાર્પણ માટેની શરૂ કરવામાં આવેલી કવાયત માટે સ્થાનિક કક્ષાએથી પોલીસ દ્વારા તમામ કાગળો પૂરા પાડવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે વકીલ કિરીટ જોષીની હત્યા કેવી રીતે થઇ હતી. ત્યારબાદ જયેશ પટેલે ખંડણી ઉઘરાવવામાં આવી હતી. જામનગરમાં ચકચારીભર્યા ગુજસીટોકમાં ગુનામાં જયેશ પટેલ મુખ્ય આરોપી છે. જામનગર પોલીસની નજર લંડન પર ચાલતી કાર્યવાહી પર છે. જેથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય.

