પોલેન્ડમાં ટ્રામને જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહનું નામ અપાયું

Tuesday 07th June 2022 16:35 EDT
 
 

જામનગર: જામનગરના પૂર્વ રાજવી જામ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 1 હજાર જેટલા બાળકોને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જામનગરમાં આશરો આપીને વર્ષો સુધી સાચવ્યા હોવાથી પોલેન્ડ પોતાને જામનગરનું ઋણી માની રહ્યું છે, આથી પોલેન્ડમાં જામનગરના રાજવીના નામે શાળા અને બાગ-બગીચાઓ બનાવવામાં આવ્યા છે. તદુપરાંત હવે ટ્રામને પણ જામનગરના પૂર્વ રાજવીનું નામ આપવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર અને ચાલીને પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું એ સમયે પોલેન્ડના 1 હજારથી વધુ બાળકોને જામનગરના રાજવીએ વર્ષો સુધી આશ્રય આપીને સાચવ્યાં હતા. જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહજીનું આ ઋણ આટલા વર્ષો પછી પણ પોલેન્ડ હજી ભૂલ્યું નથી. ટ્રામને જામનગરના પૂર્વ રાજવીનું નામ આપ્યું છે જેનાથી જામનગર શહેરમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. પોલેન્ડમાં જામનગરના પૂર્વ મહારાજા જામ દિગ્વિજયસિંહને ડોબરી મહારાજાના નામથી ઓળખવામાં આવે છે. પોલેન્ડની ભાષામાં ડોબરીનો અર્થ ‘સારું’ થાય છે. પોલેન્ડે ટ્રામને ડોબરી મહારાજા નામ આપ્યું છે.


comments powered by Disqus