પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં એકબીજાના સંપર્કમાં આવેલા અને એપના માધ્યમથી લોકોને લિંકથી જોડી એકના ડબલ કરવાની લાલચમાં ફસાવી કરોડો રૂપિયા મેળવી અને એપ બંધ કરી દઈ છેતરપિંડી કરવામાં આવ્યાની રાવ ઉઠી છે. તેમાં બનાસકાંઠાના રૂ.100 કરોડ ઉપરાંતની રકમની ઠગાઈ થયાની રાવ ઉઠી છે. તેમાં ધાનેરા તાલુકાના પંદર કરોડ, થરાદ તાલુકાના દસ કરોડથી વધુ નાણાંની ઠગાઈ થઈ હોવાનું કહેવાય છે.
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજયમાં દાની ડેટા નામની એપમાં લોકોએ કરોડો રૂપિયા રોકી દીધા હતા. જે એપ્લિકેશનમાં ફૂટબોલની, ક્રિકેટ ટીમના નામે બેટિંગ કરવા માટે નાણાં રોકવામાં આવતા હતા અને તેમાં વ્યાજ સાથે અમુક ટકા રકમ એપ્લિકેશનના બેલેન્સમાં જમા થતી હતી.
ત્યારબાદ રકમ જે પણ વ્યક્તિ આ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે તે પોતાના ખાતામાં પણ ડિપોઝિટ કરી શકે તે પ્રકારની સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિ બીજાને અને બીજો વ્યક્તિ ત્રીજાને આ એપ વિશે જાણકારી આપી અને ત્યારબાદ લાખો લોકો આ એપ્લીકેશનમાં જોડાતા ગયા હતા. જેમાં માત્ર બનાસકાંઠા જિલ્લાના રૂ.125 કરોડથી વધુ પૈસા આ એપમાં ફસાયા હોવાનુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે. જે વ્યક્તિ નાણાં રોકતા હતા તેના નાણાં એક મહિનામાં ડબલ થયા બાદ વધુ વખત નાણાં રોક્યા બાદ રાતોરાત એપ બંધ થઈ ગઈ હતી.
