મોરબીના ઝૂલતા પુલને રૂ. બે કરોડના ખર્ચે ફરી ઝૂલતો કરાશે

Tuesday 07th June 2022 16:36 EDT
 
 

મોરબીઃ મોરબીની શાન સમો ઝૂલતો પુલ જર્જરિત બન્યા બાદ અજંતા-ઓરેવા કંપની દ્વાર મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલને ધરમૂળથી રિનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.
ઓરેવા ગ્રુપના દીપક પારેખે જણાવ્યા મુજબ સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલની સફરનો નિરંતર આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલમાં રિનોવેશનની જરૂરત હોઈ ઝૂલતા પુલને ખોલીને ધરમૂળથી રિનોવેશનની કામગીરી અજંતા-ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે. મોરબીના લોકો ઐતિહાસિક અને અલૌકિક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જિન્દાલ એલ્યુમિનિયમ અને હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપનીનો સંપર્ક કરીને તેમની પાસે ખાસ સ્પેશિયલ ગ્રેડનું મટિરિયલ તૈયાર કરાવાઈ રહ્યું છે.
ઝૂલતા પુલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિનો અભ્યાસ કરી ઝૂલતા પુલના રિનોવેશન માટે અંદાજિત આશરે બે કરોડ રૂપિયા ખર્ચ કરી અલગ-અલગ મટિરિયલનો ઉપયોગ કરી રિનોવેશન શરૂ કરાયું છે. નોંધનીય છે કે ઝૂલતા પુલને ખોલીને રિનોવેશન કરવાની કામગીરી આશરે 4થી 5 માસ ચાલશે. હાલ થઈ રહેલ રિનોવેશન પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઓરેવા ગ્રુપ પ્રયત્નશીલ છે.


comments powered by Disqus