હાર્દિક પટેલનો કમલમમાં ફિયાસ્કો: પાંચ જ મિનિટમાં પ્રવેશોત્સવ પુરો

Tuesday 07th June 2022 16:25 EDT
 
 

અમદાવાદ: કોંગ્રેસને બાયબાય કરીને આખરે હાર્દિક પટેલે કમલમના પ્રાંગણમાં કેસરી ખેસ ધારણ કરી લીધો હતો. જોકે, હાર્દિક પટેલના મેગા શોનો રીતસરનો ફિયાસ્કો થયો હતો. આંખે ઉડીને વળગે તેવી વાત એ હતીકે, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી સહિત રાજ્યકક્ષાનો એકેય મંત્રી કે ભાજપના પાટીદાર આગેવાને પ્રવેશોત્સવમાં હાજર રહ્યા ન હતા. જે હાર્દિક પટેલની નારાજગીના સંકેત આપી રહ્યા હતા. હજારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરવા ઇચ્છુક હાર્દિક પટેલને કમલમમાં ગ્રાન્ડ વેલકમ નહી પણ જાણે એકદમ ફિક્કો આવકાર મળ્યો હતો. એટલું જ નહીં, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવતા માત્ર પાંચ જ મિનીટમાં પ્રવેશોત્સવ આટોપી લેવાયો હતો.
હાર્દિક પટેલ કારના કાફલા સાથે કોબા સર્કલથી ડીજેના તાલે રેલી સ્વરુપે કમલમ પહોંચ્યો હતો. કમલમમાં પ્રાંગણમાં બંધાયેલાં સામિયાણામાં ભીડ ભેગી કરવા માટે ય ભાજપના નેતાઓ જ કામે લાગ્યા હતાં. ચર્ચા છેકે, બાપુનગરથી ભજનમંડળીની બહેનો, વૃદ્ધાઓને લકઝરી બસમાં લાવવી પડી હતી.
હાર્દિક પટેલ કેટલાંક સંતો સાથે સ્ટેજ પર પહોંચ્યો હતો ત્યારે માત્ર ગણતરીના યુવા નેતાઓ જ હાજર હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ દસ મિનીટ સુધી હાર્દિક પટેલને રાહ જોવડાવી હતી. સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક સાથે સ્ટેજ પર આવ્યા હતા. સૈાથી પ્રથમ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ પ્રમુખ ઋત્વિક પટેલના હાથે ખેસ પહેરીને પાટીલે હાર્દિક પટેલને જાહેર મંચ પર કદ પ્રમાણે વેતરી નાખ્યો હતો. આટલુ ઓછું હોય તેમ વિરમગામ બેઠકના દાવેદાર ડો. તેજશ્રીબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલને મંચ પર સ્થાન આપીને પાટીલે હાર્દિકને શાનમાં સમજાવી દીધો કે, તમે લાઇનમાં છો. હાર્દિકને ભરતીમેળામાં જ કટ ટુ સાઇઝ કરી દેવાયો હોય તેવો અહેસાસ કર્યો હતો. સી.આર.પાટીલે હાર્દિક પટેલને ખેસ પહેરાવ્યો હતો જયારે નિતિન પટેલે કમને હાર્દિક પટેલને ટોપી પહેરાવી હતી પણ આંખથી આંખ મિલાવી ન હતી. ટૂંકમાં માત્ર પાંચ જ મિનિટમાં પ્રવેશોત્સવ આટોપી લેવાયો હતો.
આંદોલનમાં તોફાનો કરનારા અસામાજિક તત્વોઃ હાર્દિક
રાષ્ટ્રસેવા કરવા માટે હુ રામસેતુની ખિસકોલી બનવા માંગુ છુ તેવી ડાહીડાહી વાતો કરનારાં હાર્દિક પટેલને જયારે પુછવામાં આવ્યુ કે, અનામત આંદોલન વખતે તમે જ ગુજરાતને ભડકે બાળ્યુ હતું. તમે તો ભાજપમાં જોડાઇ ગયા. હવે તે નુકશાન કોણ ભોગવશે. આ પ્રશ્ન સાંભળી હાર્દિક રીતસર છંછેડાયો હતો. તેણે સ્પષ્ટ કર્યુંકે, હું થોડુ સળગાવવા ગયો હતો. આંદોલનમાં તોફાનો કરનારાં અને સળગાવનારા અસામાજીક તત્વો હતા. આમ કહીને હાર્દિક પટેલે પાટીદારો પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો. કમલમમાં પ્રાંગણમાં એક યુવકે હાર્દિક પટેલના મોઢા પર શાહી છાંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે યુવકની અટકાયત કરી હતી.
હાર્દિક જેવા સમાજના નેતા ના હોઇ શકેઃ લાલજી પટેલ
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહેલા હાર્દિક પટેલને અમારા પાટીદાર સમાજના નેતા કહેતા પણ શરમ આવે છે અને આવા યુવાન પાટીદાર સમાજના નેતા ના હોઈ શકે તેવી આકરી પ્રતિક્રિયા એસપીજીના લાલજીભાઈ પટેલે આપી છે. પૂર્વ ડે. સી.એમ. નીતિન પટેલે હાર્દિક જોડાવાથી પોતે અજાણ હોવાનું કહ્યું હતું. જોકે, તેમણે ભાજપના માધ્યમથી સેવા કરવા માગતા હોય તેમને આવકાર હોવાનું કહ્યું હતું. પાસના નેતા દિનેશ બાંભણિયાએ હાર્દિક ભાજપમાં જાય તો આંદોલનના અને સમાજના પેન્ડિંગ પ્રશ્નો ઉકેલ તેમ કહ્યું છે.
પાટીદાર આંદોલન જેની છત્રછાયામાં શરૂ કર્યું હતું તેવા સરદાર પટેલ ગ્રુપના મોવડી લાલજીભાઈએ હાર્દિકના ભાજપ પ્રવેશને સમાજની મરજી વિરુદ્ધનું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે હાર્દિક અંગત મહત્ત્વકાંક્ષા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છે. પોતે કોઈ દિવસ પાર્ટીમાં નહીં જોડાય તેમ સમાજને કહેનારા સ્વાર્થી હાર્દિકને હવે સમાજ પણ ઓળખી ગયો છે.
હાર્દિક ખિસકોલી નહિં કાંચિડાની જેમ બીજેપીમાં ગયો
હાર્દિકના ભાજપ પ્રવેશ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી કે, હાર્દિકને ભાજપે પ્રવેશ કરાવ્યો, તેમની કેવી મજબૂરી હશે, કાનના કીડા સરી પડે એવું બોલનારે કેમ લેવો પડ્યો, બીજી તરફ એસપીજી સાથે સંકળાયેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ છેતરાયો છે, સમાજ સાથે દગો થયો છે, 14 યુાનો શહીદ થાય હતા તેમન ન્યાય મળ્યો નથી, હાર્દિક એસીપીજી અને પાસ સાથે વિશ્વાસઘાત કર્યો છે. હાર્દિક પોતાના સ્વાર્ત માટે જ કોંગ્રેસ અને હવે ભાજપમાં ગયો છે. અહી નહિ આવે તો નવા પક્ષમાં જશે. બીજી તરફ યુથ કોંગ્રેસના આગેવાનો પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે ભાજપમાં જોડાઈને શક્તિપ્રદર્શન નહિ પરંતુ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. હાર્દિક ભાજપમાં જોડાયો છે તો શું પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા યુવાનોને હવે ન્યાય મળી જશે. પાટીદાર સમાજનાયુવાનો પર કરાયેલા કેસો પાછા ખેંચી લેવામાં આવશે? હું સૈનિક તરીકે ભાજપમાં જોડાયો છું તેવું કહેનારને કોંગ્રેસ પક્ષે નાની ઉંમરમાં તેમને સેનાપતિ સમાન કાર્યકારી અધ્યક્ષનું પદ આપ્યું હતું છતાં તેણે શું કર્યું? કોંગ્રેસે સહ્યું કે, હાર્દિક ખિસકોલીને જેમ નહિ પરંતુ કાચિંડાની જેમ જુદા જુદા કલર બદલીને ભાજપમાં ગયો છે. ભાજપમાં હાર્દિકનું રામનામ સત્ય છે એ સિવાય બીજી કોઈ વાત એની રાજકીય કારકિર્દીમાં હવે થવાની નથી.


comments powered by Disqus