અબુધાબીમાં ભારતીય મહિલાએ રૂ. ૪૫ કરોડ રૂપિયાની લોટરી જીતી

Wednesday 09th February 2022 08:05 EST
 
 

નવી દિલ્હી: વિદેશવાસી ભારતીય મહિલાએ અબુધાબીની રૂ. ૪૫ કરોડની લોટરી જીતી લીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ કેરળના ત્રિચુરની વતની લીના જલાલ નામની આ મહિલાને બિગ ટિકિટ અબુધાબી વીકલી ડ્રોમાં ૨.૨ કરોડ દિરહામ (આશરે ૪૫ કરોડ રૂપિયા)નો જેકપોટ લાગ્યો છે. ત્રીજી ફેબ્રુઆરીના રોજ લોટરીનો ડ્રો કરવામાં આવ્યો હતો. તેમાં લીના જલાલે આ લોટરી જીતી હતી. તેનો ટિકિટ નંબર ૧૪૪૩૮૭ હતો. લીના અબુધાબીમાં એચઆર પ્રોફેશનલ તરીકે કામ કરે છે.
લીના જલાલે જણાવ્યું હતું કે આમાંથી થોડાક નાણાં દાન આપવાની પણ યોજના છે. તેણે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સ્તબ્ધ છું, મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી. મને ખબર નથી કે મારે શું બોલવું જોઈએ. હું ખુશ છું અને આભારી છું.
ત્રણ ફેબ્રુઆરીએ બમ્પર ઇનામ જીતનારી લીના જલાલ એકમાત્ર નસીબવંતી ભારતીય મહિલા નથી. આ જ દિવસે કેરળના એક અન્ય ભારતીયે પણ દસ લાખ દિરહામ એટલે કે ૨.૦૩ કરોડ રૂપિયા જીત્યા છે. તે મલ્લાપુરમ્ જિલ્લામાંથી છે. તે બીજા ૨૯ લોકો સાથે પ્રાઇઝ મની શેર કરશે. તે એક એન્જિનીયર તરીકે કામ કરે છે.
તેણે જણાવ્યું કે થોડી રકમ માબાપને આપશે અને બાકીની રકમ તેના સંતાનના ભવિષ્ય માટે બચાવશે. દુબઈમાં ડ્રાઇવર તરીકે કામ કરતાં કેરળના એક શખ્સે ગયા વર્ષે એક ડ્રોમાં બે કરોડ દિરહામ એટલે કે લગભગ ૪૦ કરોડની રકમ જીતી હતી. રંજીત સોમારંજન અને તેમના બીજા નવ સહયોગીઓને વિજેતા જાહેર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે કેરળના લોકો મોટી સંખ્યામાં યુએઇમાં કામ કરે છે.


comments powered by Disqus