અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો: ૪૯ આરોપી દોષિત અને ૨૯ને નિર્દોષ છોડાયા

Tuesday 08th February 2022 13:50 EST
 
 

અમદાવાદઃ અમદાવાદમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થયો છે, જેમાં ૫૪નાં મોત થયાં હતાં અને ૨૦૦થી વધુને ઈજા થઈ હતી. અદાલતે કુલ ૭૮માંથી ૪૯ આરોપીને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ ૪૯ આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
આ ૪૯ દોષિતમાંથી ૧ દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ તમામ દોષિતોને હવે પછીની હિયરીંગમાં સજા સંભળાવવાનો અદાલતે નિર્ણય કર્યો છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ ૨૯ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. દોષિતોના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં હાજર કરાશે. આ તમામને ૩૦૨ અને ૧૨૦ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોપીઓને વીડિયો-કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. તપાસમાં મદદ કરનાર આરોપીને છોડી મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ૩૦૨ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે.
૮૨ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી
બોમ્બબ્લાસ્ટના કેસમાં અમદાવાદમાં ૨૦ એફઆઈઆર, જ્યારે સુરતમાં ૧૫ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ કેસમાં કુલ ૯૯ આતંકવાદીને પ્રાથમિક તપાસમાં આરોપી ગણવામાં આવ્યા હતા. તે પૈકી ૮૨ આતંકવાદીની ધરપકડ કરાઈ હતી, જ્યારે આઠ આરોપી હજુ પણ ભાગેડુ છે.


comments powered by Disqus