લંડન: યુગાન્ડાના અર્થતંત્રના આત્મા સમાન ઇમેન્યુઅલ તુમુસિમી મ્યુટબાઇલ ૨૩ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા પરંતુ તેમની પાછળ સત્ય માટે ઘાતકી સત્તાધીશો સામે લડાઇ આપવાનો વારસો મૂકતાં ગયાં છે. ફક્ત યુગાન્ડા જ નહીં પરંતુ સમગ્ર આફ્રિકા ખંડે એક મહાન વિભૂતિને ગુમાવી કે જેણે યુગાન્ડાને આર્થિક અંધાધૂંધીમાંથી બહાર કાઢ્યો.
મ્યુટબાઇલ સામાન્ય જનતાને લૂટતા સત્તાધારીઓને અરીસો દેખાડવામાં કયારેય ખચકાયાં નહોતા. ૧૯૭૨માં યુગાન્ડામાંથી એશિયનોને દેશનિકાલ કરનારા સરમુખત્યાર ઇદી અમીનને તેમણે જાહેરમાં પડકાર આપ્યો હતો. તે સમયે તેઓ માકેરેરે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે તેમણે નેશનલ રેડિયો પર ઇન્ટર્વ્યુ આપીને ઇદી અમીનના નિર્ણયને વખોડી કાઢ્યો હતો. તેઓ સારી રીતે જાણતા હતા કે ઇદી અમીનના નિર્ણયને વખોડવું ડેથ વોરંટને આમંત્રણ આપવા સમાન છે તેમ છતાં તેમણએ આ સાહસિક કદમ ઉઠાવ્યું હતું. પોતાના જીવન પર જોખમ જણાતા તેઓ લંડન જનારી છેલ્લી ફ્લાઇટમાં મહિલાના વેશમાં સવાર થઇ દેશમાંથી બહાર ચાલ્યા ગયા હતા. બ્રિટનમાં તેમણે બાકીનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ પીએચડીનો અભ્યાસ કરવા ઇસ્ટ આફ્રિકા પરત ફરી દારે સલામ યુનિવર્સિટીમાં જોડાયા હતા.
૧૯૮૬માં બળવાખોરોના એક જૂથનું નેતૃત્વ કરી કમ્પાલામાં સત્તા હાંસલ કરનારા મુસેવિનીને પડકાર આપવામાં પણ મ્યુટબાઇલે એટલું જ સાહસ દર્શાવ્યું હતું.તે સમયગાળામાં યુગાન્ડાની અર્થવ્યવસ્થા દિન પ્રતિદિન નીતનવા તળિયે પહોંચી રહી હતી. દેશમાં મોંઘવારીએ માઝા મૂકી હતી. આ કઠિન સમયમાં એક જમાનામાં પોતાના સહાધ્યાયી રહેલા મ્યુટબાઇલને મુસેવિનીએ પ્લાનિંગ મંત્રાલયમાં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નિયુક્ત કર્યા અને દેશના અર્થતંત્રને બેફામ બનેલા ફુગાવાની ચુંગાલમાંથી બચાવી લેવાનો આદેશ આપ્યો હતો. મુસેવિનીએ મ્યુટબાઇલને અર્થતંત્ર બચાવવા તમામ નીતિઓ ઉલટાવી નાખવા લીલી ઝંડી બતાવી હતી. મ્યુટબાઇલના ૬ વર્ષના રોડમેપ અને નીતિઓના સુદ્રઢ અમલે યુગાન્ડાના વાઇબ્રન્ટ પ્રાઇવેટ સેક્ટરનો પાયો નાખ્યો હતો.
કોલોલો સેરેમોરિયલ ગ્રાઉડ ખાતે આયોજિત સત્તાવાર અંતિમ વિધિમાં યુગાન્ડાના પ્રમુખ મુસેવિનીએ ફુગાવા સામેની લડાઇ, ફોરેક્સ એક્સચેન્જમાં મુક્ત વાતાવરણ અને ખાનગીકરણમાં સફળતા માટે મ્યુટબાઇલને શ્રેય આપ્યો હતો. મ્યુટબાઇલને શ્રદ્ધાંજલિ આપતા કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાતાએ મ્યુટબાઇલને આફ્રિકન અર્થતંત્રના આધારસ્થંભ ગણાવ્યા હતા.
મ્યુટબાઇલે ૨૦૦૧થી ૨૦૨૨ સુધી બેન્ક ઓફ યુગાન્ડાના ગવર્નર તરીકે સેવાઓ આપી. આમ તેમણે આફ્રિકાની કોઇપણ સેન્ટ્રલ બેન્કના સૌથી લાંબો સમય સેવા આપનારા ગવર્નર તરીકેનો ઇતિહાસ રચ્યો હતો.

