લખનઉ: ઉત્તર પ્રદેશમાં ગુરુવારે - ૧૦ ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૫૮ બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો પરથી ચૂંટણી જંગ લડી રહેલા ૬૧૫ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જાણવાજોગ છે. આ ઉમેદવારો પૈકી ૧૨૫ ઉમેદવાર ફક્ત ધોરણ ૮ સુધી ભણેલા છે. જ્યારે ૧૫ ઉમેદવારોએ ખુદને નિરક્ષર ગણાવ્યા છે. ચૂંટણી સુધારા પર નજર રાખી રહેલા સંગઠન એડીઆર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે (એડીઆર)ના આ અહેવાલ અનુસાર ચૂંટણીમાં ૭૦થી વધુ ઉમેદવારોની વય ૬૦ વર્ષથી વધુ છે. પ્રથમ ચરણમાં સામેલ ૫૮ વિધાનસભા મતવિસ્તારોમાં આગ્રા, અલીગઢ, બાગપત, બુલંદશહર, ગૌતમ બુદ્ધનગર, ગાઝિયાબાદ, હાપુડ, મથુરા, મેરઠ, મુઝફ્ફરનગર અને સામલી જિલ્લાનો સમાવેશ ચૂંટણી પરિણામ ૧૦ માર્ચે જાહેર થશે.
ઉત્તર પ્રદેશમાં પ્રથમ ચરણમાં ૧૧ જિલ્લાની ૫૮ વિધાનસભા બેઠકો પર રાજકીય પક્ષો અને અપક્ષોના કુલ ૬૧૫ ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરાયું છે. રિપોર્ટ અનુસાર ૧૫ ઉમેદવારો નિરક્ષર છે, ૩૮ સાક્ષર છે, ૧૦ ઉમેદવારો ધોરણ પાંચ સુધી ભણેલા છે, જ્યારે ૬૨ ઉમેદવાર ધોરણ ૮ સુધી, ૬૫ ઉમેદવાર ધોરણ ૧૦ સુધી અને ૧૦૨ ઉમેદવાર ધોરણ ૧૨ સુધી ભણેલા છે. ૧૦૦ ઉમેદવારો સ્નાતક સુધી ભણ્યા છે. જ્યારે ૧૦૮ માસ્ટર ડિગ્રી અને ૧૮ ઉમેદવારોએ ડોક્ટરેટની પદવી હાંસલ કરી છે. જ્યારે ૭ ઉમેદવારો પાસે ડિપ્લોમાની ડિગ્રી છે. ૧૨ ઉમેદવારોએ પોતાના શિક્ષણનું વિવરણ જ આપ્યું નથી.
એડીઆરના રિપોર્ટ અનુસાર ૩૫ ટકા ઉમેદવારો (૨૧૪)ની વય ૨૫થી ૪૦ વર્ષની વચ્ચેની છે. જ્યારે ૫૩ ટકા એટલે કે ૩૨૮ ઉમેદવારોની વય ૪૧ થી ૬૦ વર્ષની વચ્ચેની છે. જ્યારે ૭૩ ઉમેદવારોની વય ૬૧ થી ૮૦ વર્ષની વચ્ચેની છે.
ભાજપના અગ્રવાલ સૌથી ધનિક ઉમેદવાર
એડીઆરના રિપોર્ટ પ્રમાણે ભાજપના ઉમેદવાર અમિત અગ્રવાલ ૧૪૮ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ધનવાન ઉમેદવાર છે. ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં ૫૮ બેઠકો પર ઉમેદવારી નોંધાવનાર ૬૧૫ કરતાં વધુ ઉમેદવારોએ રજૂ કરેલા સોગંદનામા અનુસાર, તમામ ઉમેદવારોની સરેરાશ આવક ૩.૭૨ કરોડ છે. મેરઠની બેઠક પરથી ભાજપના ઉમેદવાર બનેલા અમિત અગ્રવાલ ૧૪૮ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ધનવાન ઉમેદવાર છે. તે પછી બસપાના એસ.કે. શર્મા રૂ. ૧૧૨ કરોડની સંપત્તિ સાથે બીજા અને સમાજવાદી પાર્ટીના રાહુલ યાદવ રૂ. ૧૦૦ કરોડની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે હતા.
કુલ ઉમેદવારોમાંથી બે ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય હોવાનું જણાવ્યું છે. બે ઉમેદવારોએ રૂ. ૧૦૦૦ની સંપત્તિ બતાવી છે તો એક ઉમેદવારે રૂ. ૧૦,૦૦૦ની સંપત્તિ દર્શાવી છે. આ સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવારો છે.
સમાજવાદી પાર્ટીના ૨૮ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૩ કરોડ છે. ભાજપના ૫૭ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. ૧૨ કરોડ છે. તો કોંગ્રેસના ૫૮ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ ૩ કરોડ અને આમ આદમી પાર્ટીના બાવન ઉમેદવારોની સંપત્તિ રૂ. ૧.૨૩ કરોડ નોંધવામાં આવી છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઝંપલાવી રહેલા ઉમેદવારોમાંથી ૨૫ ટકા સામે અલગ અલગ ગુના દાખલ થયા છે.

