કર્ણાટકમાં હિજાબ અને ભગવા વિવાદ: ૩ દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય

Wednesday 09th February 2022 06:31 EST
 
 

શિમોગામાંઃ કર્ણાટકમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાના વિવાદ દરમિયાન એક વધુ વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એમાં કર્ણાટકના શિમોગામાં એક કોલેજમાં એક છોકરો પોલ પર ચડીને તિરંગાને સાઈડમાં રાખીને ભગવો ઝંડો લહેરાવતો દેખાય છે. કથિત રીતે વિદ્યાર્થીએ રાષ્ટ્રધ્વજને હટાવીને ત્યાં ભગવો ઝંડો લહેરાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જે વિદ્યાર્થી પોલ પર ભગવો ઝંડો લહેરાવવા ચડ્યો છે તે RSSની વિંગ એબીવીપીનો સભ્ય છે. કર્ણાટકમાં ભગવા અને હિજાબ વિવાદ વકરતા અહીં રાજ્ય સરકારે ૩ દિવસ સુધી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. શિમોગામાં પથ્થરમારાની ઘટના પછી અહીં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી હિજાબ અને ભગવા વિશે કોઈ વિવાદ નહતો. ભાજપ સરકાર જાણીજોઈને આ મુદ્દો ચગાવી રહ્યો છે. ભાજપ આ મુદ્દે રાજનીતિ કરવા માંગે છે. રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે ટ્વિટ કરીને આ મુદ્દાને ભાજપનો એજન્ડા ગણાવ્યો છે. તેમણે આ મુદ્દાને અંગત આઝાદી માટે જોખમ પણ ગણાવ્યું છે.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

કર્ણાટકના કુંડાપુરા કોલેજની ૨૮ મુસ્લિમ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને ક્લાસ અટેન્ડ કરતાં રોકવામાં આવી હતી. આ ઘટના વિશે વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું હતું કે ઈસ્લામમાં હિજાબ ફરજિયાત છે, તેથી એની મંજૂરી આપવી જોઈએ. છોકરીઓના હિજાબ પહેરવા વિશેના જવાબમાં હિન્દુ સંગઠનોના છોકરાઓએ કોલેજ કેમ્પસમાં ભગવા શાલ પહેરવા કહ્યું હતું. જ્યારે હુબલીમાં શ્રીરામ સેનાએ કહ્યું હતું કે જે લોકોએ બુરખો અથવા હિજાબ પહેરવાની માગણી કરી છે, તેઓ પાકિસ્તાન જઈ શકે છે. એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે કે હિજાબ પહેરીને શું ભારતને પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે?


comments powered by Disqus