કલોલ: કલોલમાં ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના પ્રયાસમાં બે બાળકો સહિત પરિવારના ચાર સભ્યોના મૃત્યુ નિપજ્યા પછી પણ કબૂતરબાજી અટકવાનું નામ લેતી નથી.
કલોલના પંચવટી વિસ્તારમાં રહેતા વિષ્ણુ પટેલના ભત્રીજાની અમેરિકાની ફાઈલ વારંવાર અટકી જતી હતી. તેમના મિત્રએ અમદાવાદના નારણપુરામાં રહેતા એજન્ટ ઋત્વિક પારેખ અને ચાંદખેડાના દેવમ બ્રહ્મભટ્ટ સાથે મુલાકાત કરાવી હતી. બંને જણે કહ્યું હતું કે તમારા ભત્રીજાને દોઢ માસની અંદર અમેરિકા મોકલી આપીશું. અમે દિલ્હીથી ગ્પ તૈયાર કરીને અમેરિકા પહોંચાડીયે છીએ. આ માટે કપલદીઠ ૧.૧૦ કરોડ રૂપિયા થતા હોય છે તેમજ બે દિવસમાં અડધું પેમેન્ટ આપી દેવાની વાત એજન્ટોએ કરેલ. જેથી અમેરિકા મોકલવા માટે ૧.૧૦ કરોડ રૂપિયામાં સોદો પાક્કો થઇ ગયા બાદ એજન્ટોએ કહેલ કે ૨૩ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ તમારી દિલ્હીની ટિકિટો આવી જશે .
ત્યાર પછી ૪ જાન્યુઆરીના રોજ સાંજે વિષ્ણુભાઈ દુકાને હતા ત્યારે તેમની પર એજન્ટનો ફોન આવેલ કે તમારા ભત્રીજાની ટિકિટ બુક થઇ ગઈ છે તેમને સાંજે ૬ વાગ્યે એરપોર્ટ મોકલી દેજો. જોકે વિષ્ણુભાઇએ ગાડી ના આવડતી હોવાનું જણાવતા એજન્ટે તેનો માણસ મોકલી આપવાનું તેમજ તેને દસ લાખ રૂપિયા રોકડા બતાવવાનું કહ્યું હતું.
નારણપુરાનો એજન્ટ ઋત્વિક પારેખ કલોલ આવ્યો હતો અને વિષ્ણુભાઈ તેમજ દંપતીને એરપોર્ટ પર લઇ ગયો હતો. જ્યાંથી દેવેન બ્રહ્મભટ્ટ દંપતીને લઈને દિલ્હી ગયો હતો.
દંપતિને એરપોર્ટ ઉપર ઉતારી ઋત્વિક વિષ્ણુભાઈને લઈને કલોલ પરત ફર્યો હતો. એન.સી. દેસાઈ પેટ્રોલ આગળ ઋત્વિકે ગાડી ઉભી રાખી કોઈને ફોન કર્યો હતો જેથી મોપેડ પર ત્રણ ઈસમો આવ્યા હતા. વિષ્ણુભાઈને લઈને આ ચારેય વ્યક્તિઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતા.
વિષ્ણુભાઈએ કહ્યું હતું કે અમેરિકા પહોંચી જાય ત્યારે દસ લાખ રોકડા આપવાનું નક્કી થયું છે તેમજ રૂપિયા ભરેલ બેગ પણ બતાવી હતી. જેથી ચારમાંથી એક રેયાન નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને કમરથી રિવોલ્વર કાઢી વિષ્ણુભાઈ પર તાકીને હાલ જ દસ લાખ રૂપિયા આપી દે નહીં તો પતાવી દઈશ એમ કહીં ફાયરિંગ કર્યું હતું. જોકે તેઓ ખસી જતા ગોળી સોફામાં ઘુસી ગઈ હતી.

