જૂનાગઢઃ નિરંજની અખાડાના વરિષ્ઠ સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા તેના લાખો સેવક સમુદાયમાં ગમગીની પ્રસરી જવા પામી છે. ૯૭ વર્ષની વયે છેલ્લા એક માસથી ફેફ્સાની બીમારીમાં સપડાયા બાદ ૧૨ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈને સ્વસ્થ થઈને ચારેક દિવસ પહેલા જ પોતાના આશ્રમે પધારેલ કાશ્મીરીબાપુ દેવલોક પામતા આજે દિવસભર તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
મૂળ કાશ્મીર તરફ્થી વર્ષો પહેલા ગિરનાર આવી પહોચેલા કાશ્મીરીબાપુનું મુળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું. તેઓ વનખંડી સાધુ હતા એટલે સતત વનમાં પરિભ્રમણ કરીને જપ-તપ કરતા રહેતા હતા, આશરે ૭૫-૮૦ વર્ષ પહેલા ગિરનાર આવી ગયેલા અને અહી ગિરનાર તમામ ધાર્મિક જગ્યાએ તેઓ નિત્ય ક્રમ મુજબ પરિભ્રમણ કરીને જપ-તપ કરતા હતા. તેઓ કાશ્મીરથી આવેલા હોવાથી તેમનું નામ કાશ્મીરી બાપુ પડયું હોવાનું માનવામાં આવે છે. જ્યારથી તેઓ ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન પટેલ બાપુના સંપર્કમાં આવ્યા ત્યારથી તેમનું જીવન બદલાઈ ગયું હતું.
પૂજ્ય પટેલ બાપુએ કાશ્મીરીબાપુને આમ પરિભ્રમણ કરવાના બદલે એક જ સ્થળે જપ-તપ કરવાનું જણાવતા તેઓએ ત્યારથી ગિરનાર તળેટી જંગલમાં આવેલા રેવન્યુમાં ફાળવેલા આમકુ બીટ જગ્યામાં સ્થાઈ થયા હતા. અહી તેઓ તે સમયે માત્ર કાચી ઝુપડીમાં જ રહેતા હતા ત્યાં જવા માટે કોઈની હિમત ચાલતી નહી. વન્ય પ્રાણીઓની વચ્ચે એકલા બાપુએ વર્ષોથી જપ-તપ કર્યું હતું.

