ગાંધીનગર: ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ પૂર્વે ૧૦ થી ૧૨મી માર્ચે ત્રણ દિવસનો ડિફેન્સ એક્સપો યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મીએ એક્સપોનું ઉદ્દઘાટન કરે તેવી સંભાવના છે.
આ એક્સપોમાં ૧૦૦ દેશોના સંરક્ષણ વિભાગના અધિકારીઓ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના ૨૦૨૨માં યોજાનારા ૧૨માં સસ્કરણનું યજમાન ગુજરાત બનશે.
સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા ગાંધીનગરના એક્ઝિબિશન સેન્ટરમાં સંરક્ષણ સેક્ટરની પ્રદર્શની પણ યોજવામાં આવશે. આ એક્સપોથી રાજ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરને નવી દિશા મળશે. આ એક્સપોમાં આર્મી, નેવી અને એરફોર્સના આધુનિક હથિયારોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે.
વિશ્વના ૧૦૦૦ દેશોના ડેલિગેટ્સ તેમજ ડિપ્લોમેટ્સને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી મહેમાનોની સુરક્ષા માટે કેન્દ્રની સૂચનાને પગલે ગુજરાત અને ગાંધીનગર પોલીસ દ્વારા સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એક્સપોનું ઉદ્દઘાટન કરવાના છે અને તેઓ બે દિવસનું રોકાણ પણ કરી શકે છે. કેન્દ્રના ડિફેન્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ એક્સપોના સ્થળોનું નિરીક્ષણ કરવા પણ આવી રહ્યાં છે.

