જ્હોન્સન જીદે ચડ્યાઃ ખુરશી તો નહિ છોડું

Wednesday 09th February 2022 08:11 EST
 
 

વડા પ્રધાનની પત્નીના ગાઢ મિત્ર હેન્રી ન્યૂમેનને ડાઉનિંગ સ્ટ્રીટ છોડવું પડ્યું છે અને તેઓ માઈકલ ગોવ માટે ફરી કામ કરશે તેમ મનાય છે.
પાર્ટીગેટ કૌભાંડ તેમજ સર કેર સ્ટાર્મર વિરુદ્ધ ટીપ્પણીથી જ્હોન્સન વિરુદ્ધ પ્રવાહ વધી રહ્યો છે ત્યારે અસંતુષ્ટો પણ ધીરે ધીરે સોગઠાં ગોઠવી રહ્યા છે. નેતાપદેથી જ્હોન્સનને ખસેડવા માટે ૧૯૨૨ બેકબેન્ચર્સ કમિટીના ચેરમેનને ૫૪ સાંસદોના માગણીપત્રો મળવા આવશ્યક છે અને ટુંક સમયમાં આ આંકડે પહોંચી જવાશે તેમ બળવાખોર સાંસદોના જૂથનું માનવું છે. જ્હોન્સનવિરોધી જૂથના સભ્યો અનુસાર ૩૫ સાંસદોએ તેમના પત્રો મોકલી આપ્યા છે અને ટુંક સમયમાં ૪૫ના આંકડે પહોંચી જવાશે. જ્હોન્સનની નેતાગીરીમાં વિશ્વાસ નહિ હોવાનો પત્ર આપનારા એરોન બેલ આઠમા કન્ઝર્વેટિવ સાંસદ બન્યા છે.

ગ્રે રિપોર્ટ અને બળવાની અસર હેઠળ ફેરફારો

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્યુ ગ્રે રિપોર્ટ અને અસંતુષ્ટોના બળવાની અસર હેઠળ કોઈની હકાલપટ્ટી કર્યા વિના થોડાં ફેરફારો કર્યા છે. તેમણે ચીફ વ્હીપઅને શેરવુડના સાંસદ માર્ક સ્પેન્સરને કોમન્સના લીડર તરીકે સ્થાન આપ્યું છે જ્યારે પૂર્વ લીડર જેકોબ રીસર-મોગને બ્રેક્ઝિટ ઓપોર્ચ્યુનિટીઝ વિભાગની કેબિનેટ જવાબદારી સુપરત કરી છે. ચીફ વ્હીપની જવાબદારી ક્રિસ હીટન હેરિસને સોંપાઈ છે અને જેમ્સ ક્લેવર્લીને ફોરેન ઓફિસમાં જ યુરોપ મિનિસ્ટરનું સ્થાન અપાયું છે. મહિલાઓમાં એક માત્ર ફેરફાર તરીકે હીધર વ્હીલરને કેબિનેટ ઓફિસમાં પાર્લામેન્ટરી સેક્રેટરી બનાવ્યાં છે.

સ્યુ ગ્રેના રિપોર્ટમાં નેતાગીરીની ઉણપના અંગૂલિનિર્દેશ પછી જ્હોન્સને સ્થગિતપણામાં આવી ગયેલી ડાઉનિંગ સ્ટ્રીટના વહીવટી માળખાને ચેતનવંતુ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. નવા ચીફ ઓફ સ્ટાફ તરીકેની જવાબદારી સ્ટીવ બાર્કલેને સોંપાઈ છે, જેઓ કેબિનેટ ઓફિસમાં પોતાની જવાબદારીઓ અન્ય મિનિસ્ટર્સને વહેંચી દેશે તેમ મનાય છે. ડાયરેક્ટર ઓફ કોમ્યુનિકેશન્સ તરીકે ગુટો હારીને પસંદ કરાયા છે. NHS ઈંગ્લેન્ડના વેક્સિનેશન પ્રોગ્રામના વડા ડેમ એમિલી લોસનને નંબર ૧૦માં પરમેનન્ટ સેક્રેટડરીનો હોદ્દો સોંપાશે તેમ કહેવાય છે.
સ્યુ ગ્રેના પાર્ટીગેટ કૌભાંડ સંબંધિત રિપોર્ટની પ્રતિક્રિયા તરીકે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન નંબર ૧૦ના વહીવટી માળખામાં સુધારા કરી રહ્યા છે. તેઓ પરમેનન્ટ સેક્રેટરીની આગેવાની હેઠળ નવી ઓફિસ ઓફ પ્રાઈમ મિનિસ્ટરની સ્થાપના કરશે તેમ જ્હોન્સને હાઉસ ઓફ કોમન્સ સમક્ષ જણાવ્યુ છે. જ્હોન્સને કહ્યું હતું કે સિવિલ સર્વિસ કોડ અને સ્પેશિયલ એડવાઈઝર્સ કોડની પણ સમીક્ષા કરવામાં આવશે. જોકે, તેમણે મિનિસ્ટરિયલ કોડના રિવ્યુનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.

બોરિસ કેબિનેટમાં આંતરવિગ્રહઃ ચાન્સેલર સુનાક સામે વિરોધ

લેબરનેતા સ્ટાર્મરના મામલે જ્હોન્સનની ટીકા કરવામાં ચાન્સેલર સુનાક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ બહાર આવવા સાથે કેબિનેટમાં બાગલા પડી ગયા હતા. એક કેબિનેટ મિનિસ્ટરે સુનાકને બરતરફ કરવા જ્હોન્સનને જણાવ્યું હતું જ્યારે અન્ય બે મિનિસ્ટરે સુનાક સામે કાવાદાવા રચવાનો આક્ષેપ લગાવ્યો હતો. સુનાકે ટીપ્પણી કરી હતી કે હું હોત તો આવું બોલ્યો ન હોત. જોકે, તેમણે વડા પ્રધાને કરેલા ખુલાસાથી રાજીપો વ્યક્ત કર્યો હતો. હેલ્થ સેક્રેટરી જાવિદ પણ ચાન્સેલરની સાથે જોડાયા હતા અને લેબરનેતા સ્ટાર્મર આટલી મોટી જાહેર જવાબદારી સંભાળવા બદલ માનના અધિકારી હોવાનું જણાવ્યું હતું.
જ્હોન્સનના સંભવિત અનુગામીઓ ગણાતા સુનાક અને જાવિદની ટીપ્પણીઓ સામે કેબિનેટ સાથીઓએ પ્રહારો કર્યા હતા અને જ્હોન્સનની પીઠમાં છૂરો ભોંકાતો હોવાનું પણ જણાવ્યું હતું. આવા કાવાદાવા કરનારાઓને જ્હોન્સન કેવી રીતે ચલાવી લે છે તેવી ટીપ્પણીઓ પણ થઈ હતી. એક મિનિસ્ટરે જણાવ્યું હતું કે સુનાક સારા માણસ છે પરંતુ, તેમની આસપાસના લોકો સાચી સલાહ આપતા નથી.

સ્પીકરે જ્હોન્સનને ઠપકો આપ્યો

લેબરનેતા સ્ટાર્મર સામે સેવાઈલ અંગે કરેલી ટીપ્પણી બદલ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે વડા પ્રધાન જ્હોન્સનને ઠપકો આપ્યો છે. સર હોયલે કહ્યું હતું કે આ પ્રકારની ટીપ્પણીઓ ઉશ્કેરાટ સર્જે છે. વડા પ્રધાનની ટીપ્પણીઓ અનુચિત હતી. જોકે, જ્હોન્સને માફી માગવાનો ઈનકાર કર્યો હતો. ડાઉનિંગ સ્ટ્રીટે સ્પષ્ટ કર્યું હતું કે વડા પ્રધાને તેમની ટીપ્પણીઓ વિશે અગાઉ ખુલાસો કરી દીધો છે. ટોળાના હુમલા અને જ્હોન્સનની ટીપ્પણી વચ્ચે કોઈ સંબંધ હોવાનું મિનિસ્ટર્સે નકાર્યું હતું. જ્હોન્સને સ્ટાર્મરની કરેલી ટીકાથી લેબરનેતાના જાનને જોખમ ઉભું થયું હતું. તેમના પર વિરોધ કરતા ટોળાએ હુમલો કર્યો હતો અને પોલીસે તેમને ઉચકીને કારમાં બેસાડવા પડ્યા હતા. બાળ યૌનશોષણખોર જીમી સેવાઈલ વિરુદ્ધ ચાર્જીસ નહિ મૂકાવાના નિર્ણયમાં સ્ટાર્મર ખુદ જવાબદાર ન હતા પરંતુ, તેમણે ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ વતી માફી માગી હતી.

કેરીનું પતિ પર વધેલું દબાણ

જ્હોન્સન સત્તાને ચીટકી રહેવા મક્કમ હોવાં છતાં, તેમના પત્ની કેરી જ્હોન્સન તેમના, પતિ અને સંતાનો પર વધી રહેલા દબાણથી ચિંતામાં છે અને તેમણે ખાનગીમાં એમ પણ કહ્યાનું મનાય છે કે જ્હોન્સન સત્તા છોડી તો બહેતર ગણાશે. વડા પ્રધાનના પત્નીની જીવનકથાના અંશો પ્રસિદ્ધ થવા સાથે આ દબાણ વધશે તેમ મનાય છે. ટોરી ઉમરાવ લોર્ડ એશ્ક્રોફ્ટ દ્વારા ફંડ કરાયેલા આ પુસ્તકમાં ડાઉનિંગ સ્ટ્રીટની નીતિઓ અને સ્ટાફ પર કેરી જ્હોન્સનના પ્રભાવ વિશે ઘણા દાવા કરવામાં આવ્યા છે. કલ્ચર સેક્રેટરી માડિન ડોરિસે વડા પ્રધાન જ્હોન્સનને ઉથલાવવાના પ્રયાસમાં વિરોધીઓ તેમના પત્ની વિરુદ્ધ વેર ફેલાવી રહ્યા હોવાના આક્ષેપો પણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે બોરિસના પૂર્વ સહાયક ડોમિનિક કમિંગ્સ અને કેરી જ્હોન્સન વચ્ચે સત્તાની સાઠમારી ચાલી હતી જેના પરિણામે કમિંગ્સને ડાઉનિંગ સ્ટ્રીટ છોડવાની નોબત આવી હતી.

લેબર પાર્ટીની સરસાઈમાં વધારો

નંબર ૧૦ કૌભાંડની અસર હેઠળ ક્ષોભજનક હાલતમાં છે ત્યારે રેડફિલ્ડ એન્ડ વિલ્ટન સ્ટ્રેટેજીસ દ્વારા હાથ ધરાયેલા ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીએ ૧૦ પોઈન્ટની સરસાઈ મેળવી છે. લેબર પાર્ટીને બે પોઈન્ટના વધારા સાથે ૪૨ પોઈન્ટ મળ્યા હતા જ્યારે ટોરીઝને એક પોઈન્ટ ઘટીને ૩૨ પોઈન્ટ થયા હતા. જ્હોન્સને સર કેર સ્ટાર્મર અને બાળ યૌનશોષણખોર જીમી સેવાઈલ બાબતે કરેલા આક્ષેપો કન્ઝર્વેટિવ પાર્ટીને ભારે પડી રહ્યા છે. ટાઈમ્સ માટે અન્ય મતદાનમાં એમ કહેવાયું છે કે ગત ચૂંટણીમાં પાર્ટીને સમર્થન આપનારા ત્રણ કન્ઝર્વેટિવ મતદારોમાંથી એક મતદાર માને છે કે જ્હોન્સને રાજીનામું આપવું જોઈએ.


comments powered by Disqus