મુંબઈ: ભારતરત્ન સ્વરસામાજ્ઞી લતા મંગેશકરના નિધન સાથે ભારતીય સૂર-સંગીતનો શાનદાર સોનેરી યુગ ઇતિહાસમાં વિલીન થઇ ગયો છે. બ્રિચકેન્ડી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરાયેલા ૯૨ વર્ષનાં લતાજીએ રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર પ્રસરતાં જ ભારતીય સૂર-સંગીતના વિશ્વભરમાં ફેલાયેલા ચાહકોમાં આઘાત સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. આઠમી જાન્યુઆરથી હોસ્પિટલમાં એડમિટ લતાજીની સુધરી રહેલી તબિયત શુક્રવારે અચાનક કથળી હતી અને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું હતું. લતાજીના માનમાં ભારત સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લતાજીને ભારતીય સંગીતના કર્ણધાર ગણાવ્યા હતા તો યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે લતાજીને ઉપખંડનો અવાજ ગણાવ્યા હતા. માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે યોગ્ય જ કહ્યું હતું કે લતાજીના ગીત-સંગીતે સાંસ્કૃતિ સીમાડાઓ ઓળંગીને વિશ્વના લાખો લોકોને ખુશી આપી છે. તેમના નિધનથી ભારતે રાષ્ટ્રીય ખજાનો ગુમાવ્યો છે. ભારતીય સંસદના બન્ને ગૃહો - લોકસભા અને રાજ્યસભાએ લતાજીને શ્રદ્ધાંજલિ અર્પીને કાર્યવાહી એક કલાક સ્થગિત રાખી હતી. ઉલ્લેખનીય છે કે લતાજી ૧૯૯૯થી ૨૦૦૫ સુધી રાજ્યસભાના સદસ્ય રહ્યાં છે. રવિવારે સાંજે તેમને મુંબઇના શિવાજી પાર્કમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય અપાઇ હતી.
સેનાની ત્રણેય પાંખના જવાનોએ સલામી આપ્યા બાદ ભાઇ હૃદયનાથ અને તેમના પુત્ર આદિત્યનાથે લતાજીના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી હતી. આ સમયે લતાજીના બહેનો - આશા ભોસલે, ઉષા મંગેશકર, મીના મંગેશકર સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ, ગવર્નર ભગતસિંહ કોશિયારી, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સચીન તેન્ડુલકર, શાહરુખ ખાન, આમીર ખાન, રણબીર કપૂર, શંકર મહાદેવન્ સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહીને લતાજીને પુષ્પાંજલિ અર્પી હતી.
લતાજી ભારતીય સંસ્કૃતિના કર્ણધારઃ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અંજલિ અર્પતા કહ્યું હતું કે લતાદીદીને ભારતીય સંસ્કૃતિના કર્ણધારના રૂપમાં યાદ કરવામાં આવશે. લતાદીદીના અવાજમાં મંત્રમુગ્ધ કરવાની અદભુત ક્ષમતા હતી. તેઓ દેશમાં એક ખાલીપો છોડી ગયા છે, જેને ક્યારેય ભરી શકાશે નહીં. લતાદીદી હંમેશાં મજબૂત અને વિકસિત ભારત જોવા માગતાં હતાં. તેમના ગીતોએ અનેક પ્રકારની ભાવનાઓને જન્મ આપ્યો. તેમણે ફિલ્મજગતના બદલાવને નજીકથી જોયા છે.

