લંડનઃ વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી થેરેસા કોફીએ નોકરી ઈચ્છતા લોકોને ચાર સપ્તાહ પછી કોઈ પણ સેક્ટરમાં નોકરી મેળવી લેવા અથવા બેનિફિટ્સ ગુમાવવા તૈયાર રહેવાની ચિમકી આપી છે. નવી ‘વે ટુ વર્ક’ પોલિસી હેઠળ યુનિવર્સલ ક્રેડિટના દાવેદારોએ તેમની પસંદગીના સેક્ટરમાં નોકરી નહિ મળ્યાના ચાર સપ્તાહમાં અન્ય સેક્ટરમાં નોકરી શોધવી પડશે. અથવા બેનિફિટ સિસ્ટમના વિવાદાસ્પદ કડક પ્રતિબંધો હેઠળ બેનિફિટ્સ ગુમાવવાનો સામનો કરવો પડશે.
વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી થેરેસા કોફીએ જણાવ્યું હતું કે જૂન મહિનાના અંત સુધીમાં ૫૦૦,૦૦૦ જોબસીકર્સને ફરી કામકાજમાં સમાવી લેવાના સરકારના નવા અભિયાનમાં આ પગલાંથી લોકોને હાલ ગમે ત્યાં નોકરી મેળવી લેવામાં મદદ મળશે. જોકે, નવી ‘વે ટુ વર્ક’ પોલિસી લાગણીહીન, મોટા પાયે ચિંતાતુરતા અને તણાવ સર્જનારી તેમજ લોકોને ટુંકા ગાળાની અસુરક્ષિત રોજગારી મેળવવા દબાણ કરનારી હોવાની ચેતવણી મિનિસ્ટર્સને આપવામાં આવી છે.
પ્રવર્તમાન નિયમો હેઠળ યુનિવર્સલ ક્રેડિટના દાવેદારોને બેનિફિટ્સ ગુમાવવાનો સામનો કરવો પડે તે પહેલા તેમની પસંદગીના સેક્ટરમાં નોકરી શોધવા ત્રણ મહિનાનો સમય અપાય છે. નવી સિસ્ટમમાં દાવેદારોને માત્ર ચાર સપ્તાહનો સમય અપાશે. ચાર સપ્તાહ પછી જો તેઓ અન્ય કોઈ સેક્ટરમાં નોકરી મેળવવા પૂરતા પ્રયાસ કરતા નહિ હોવાનું જણાશે અથવા રોજગાર-નોકરીની કોઈ ઓફર નકારી કાઢશે તો બેનિફ્ટિસ ગુમાવવાનો સામનો કરવો પડશે તેમ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા જણાવાયું છે.

