રાજકોટઃ ગુજરાતમાં પોલીસના ઉચ્ચ અધિકારી સામે ગંભીર પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે. વિપક્ષના કોઇ નેતાએ નહીં પણ ખુદ સત્તાધારી ભાજપના ધારાસભ્યએ રાજકોટના પોલીસ કમિશનર સામે હપ્તા વસૂલવાનો અને વસૂલાતનું કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ પ્રકારના આરોપથી પોલીસ અધિકારીઓ અને રાજકીય માહોલમાં ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખી જણાવ્યું છે કે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાંની ટકાવારી લઇને રૂપિયા વસૂલવાનું કામ કરી રહ્યાં છે. એક અરજદાર પાસેથી તેમણે રૂપિયા વસૂલવાનું કામ કર્યું છે અને હજી કરી રહ્યાં છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ પોલીસની કામગીરીથી મેં આપને વાકેફ કર્યા છે. કોઇની ઉઘરાણીની લેણી રકમ કાઢવાનું કામ કરતા લોકોની જેમ તેઓ રૂપિયાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યાં છે. આવા ઘણાં કિસ્સા રાજકોટમાં બન્યા છે. એક કિસ્સામાં રાજકોટના મહેશ સખીયાએ તમને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમની સાથે આઠ મહિના પહેલાં ૧૬ કરોડનું ચિટીંગ થયું હતું જેની ફરિયાદ નહીં લઇને મહેશભાઇ પાસેથી ઉઘરાણીના પૈસા આવે તેમાંથી ૧૫ ટકાનો હિસ્સો માગ્યો હતો.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે આ કિસ્સામાં સાત કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે જે પૈકી ૭૫ લાખ રૂપિયા પોલીસ કમિશનરે તેમના પીઆઇ મારફતે વસૂલ કર્યા અને બાકીના ૩૦ લાખની ઉઘરાણી જે તે પીઆઇ ફોનથી કરી રહ્યા હતા તે રકમ આવી નથી. તમારી પાસે ફરિયાદ થતાં તેની એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને બે આરોપીને પકડવામાં પણ આવ્યા છે.
હજી એક આરોપી ભાગતો ફરે છે. આ રકમમાંથી એક ફ્લેટ લીધો છે.

