રાજકોટ: સ્વર જેમના માટે સાધના હતી તેવા લેજન્ડરી લતા મંગેશકરનાં નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. લતા દીદીનાં માતા ગુજરાતી હોવાનાં નાતે ગુજરાતીઓ સાથેનો તેમનો સબંધ દાયકાઓ જૂનો રહ્યો છે. લતાજીની સૌરાષ્ટ્રમાં દ્વારકા અને સોમનાથ મહાદેવનાં દર્શન કરવાની ઈચ્છા તેઓ વારંવાર વ્યકત કરતા હતા પરંતુ તેમની આ ઈચ્છા અધુરી રહી ગઈ છે.
સૌરાષ્ટ્રનાં કલાકારો જયારે પણ મુંબઈ તેમને મળવા જતા હતા ત્યારે સૌરાષ્ટ્ર - ગુજરાત આવવાની અને સોમનાથ મહાદેવ અને દ્વારકા આવવાની ઈચ્છા વ્યકત કરતા હતા. અનેક વખત આયોજનો પણ કર્યા હતા પરંતુ તબીયત અને અન્ય કારણોસર આયોજનો રદ કરાયા હતા. સૌરાષ્ટ્રનાં રાજુલાનાં એક યુવાન મહેશ રાઠોડ વર્ષો સુધી તેમના પીએ તરીકે કામ કરતા હતા. લતાજીને મળનાર કલાકારોએ જણાવ્યું હતું કે મુંબઈ ખાતેના તેમના નિવાસે જયારે જતા હતા ત્યારે લતાજી ગુજરાતીમાં વાતો કરતા હતા. માતા ગુજરાતી હોવાને કારણે સારુ ગુજરાતી તેઓ બોલી શકતા હતા. ગુજરાત પ્રત્યે તેમનો હંમેશા લગાવ રહયો છે.
રાજકોટમાં સ્વર સામ્રાજ્ઞી લતાજીનું મંદિર બનાવાશે
સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થયું છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં રાજકોટના ગાયક કલાકાર ભૂપેન્દ્ર વસાવડાએ લતાજીનું મંદિર બને તે માટેનો સંકલ્પ લીધો છે. લતાજી સાથેના પોતાના ૬૮ વર્ષના સંસ્મરણો વાગોળતા તેઓએ જણાવ્યું હતુ કે, પોતે ૧૨ વર્ષની ઉંમરે લતાજીના હસ્તે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અમદાવાદમાં આયોજિત એક સુગમ સંગીત સ્પર્ધામાં તેને ભાગ લીધો હતો. લતાજીના હસ્તે ઈનામ મેળવવું આજીવન યાદગીરી રહેશે. આ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો હતો. ૧૯૫૪ માં અમદાવાદમાં ગીત સ્પર્ધા રાખવામાં આવી હતી. તેમાં લતાદીદી જજ તરીકે આવ્યા હતા. ૬ મહિનામાં પોતે નાનું કે મોટું જે શક્ય હશે તે મંદિર બનાવશે. આ મંદિરમાં લતાજીની મૂર્તિ સ્થાપિત કરશે. આ મંદિરથી સંગીતના સાધકો જોડાઈ શકશે.
લતાજી અત્યારે હયાત નથી પરંતુ સંગીતના માધ્યમથી તે હરહંમેશ આપણી વચ્ચે રહેશે.

