લતાજીએ બાર વર્ષ પૂર્વે ગુજરાતી ફિલ્મમાં છેલ્લું ગીત ‘વૈષ્ણવ જન તો’ ગાયું હતું

Tuesday 08th February 2022 13:48 EST
 
 

રાજકોટ: કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકરનો ગુજરાતી ફિલ્મ - સંગીત સાથે દાયકાઓ જુનો નાતો રહયો છે તેમનાં નિધનથી સૌરાષ્ટ્ર - ગુજરાતનાં અનેક કલાકારોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ગુજરાતી ફિલ્મનાં અનેક ગીતોને સ્વર આપી લતાજીએ અમર કરી દીધા છે. આશરે બાર વર્ષ પહેલા ગુજરાતી ફિલ્મ માં ગાંધીજીનાં પ્રિય એવા વૈષ્ણવ જન તો ભજન ગાયુ હતુ. આ ગીત તેમનું છેલ્લુ ગુજરાતી ફિલ્મનું ગીત હતું.
સૌરાષ્ટ્ર - ગુજરાતનાં અનેક કલાકારો અને સંગીતકારો સાથે લતા દીદી સાથે દાયકાઓથી સંપર્કમાં રહયા છે. અનેક ગુજરાતી ફિલ્મોમાં લતાજીએ ગીત ગાયા છે. પારકી થાપણ ફિલ્મનાં બેના રે, પાંદડુ લીલુ ને રંગ રાતો, મહેંદી તે વાવી માંડવે જેવા અનેક ગીતોને સ્વર આપીને લતાજીએ અમર કરી દીધા છે. સૌરાષ્ટ્ર - ગુજરાતનાં અનેક સંગીતકારો અને કલાકારો મુંબઈમાં તેમના ઘરે ગુજરાતી ગીત ગાવા માટેની ઓફર લઈને જતા તો ગુજરાતી ફિલ્મમાં શકય તેટલું યોગદાન આપવા હમેંશા તત્પરતા બતાવતા હતા.
લતા દીદીનાં નિધન બાદ સૌરાષ્ટ્ર -ગુજરાતનાં અનેક કલાકારો તેમની સાથેની સ્મૃતિઓને તાજી કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહયા છે. ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીનાં પૂર્વ ચેરમેન પંકજ ભટ્ટ છેલ્લા વીસેક વર્ષથી લતા મંગેશકર સાથે નાતો ધરાવે છે તેઓ લતાજી સાથેના સંસ્મરણો તાજા કરીને કહે છે છેલ્લે વર્ષ ર૦૦૯માં રાજકોટનાં જ એક નિમાર્તાનું બજરંગ દાસ બાપા પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘બાપા સિતારામ’ માં ગાંધીજીનાં પ્રિય ભજન 'વૈષ્ણવજન તો તેને.. ' ગાવા માટે અમે તેમને વિનંતી કરી હતી ત્યારે તેમણે સ્વીકારી હતી. આ ગીતને જયારે સ્ટુડીયોમાં સ્વરબદ્ધ કરવામાં આવ્યો ત્યારે પહેલીવાર અમને તેમનું શુટીંગ કરવા સંમતિ આપી હતી. આ ગીત લતાજીનું છેલ્લુ ગુજરાતી ફિલ્મ બની રહેશે તેવી કલ્પના પણ ન હતી. વહેલી પરોઢનો વાયરો, રુપલે મઢી છે રાત, પાંદડુ લીલુ સહિત અનેક ગુજરાતી ગીતને તેમણે સ્વર આપ્યો છે. જયારે પણ તેઓ ગુજરાતી ગીતને સ્વર આપતા હતા ત્યારે ઉચ્ચારમાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખતા હતા. કેટલાક શબ્દો વિશે કયારેક તેઓ ગુજરાતી કલાકારો સાથે ચર્ચા પણ કરતા હતા.


comments powered by Disqus