શ્રીકુમારભાઇ અને ઉર્વશીબહેન પરીખની ૫૦મી લગ્નગાંઠ પ્રસંગે પરીખ સાહેબને સ્મરણાંજલિ

Thursday 10th February 2022 04:09 EST
 
 

લંડનઃ શ્રીકુમારભાઇ અને ઉર્વશીબહેન પરીખની ૫૦મી લગ્નગાંઠ નિમિત્તે ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ના રવિવારના રોજ ઉષ્માસભર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે હંમેશા પ્રેરણાદાયી રહેલા સ્વ. શ્રી બાલમુકુંદભાઇ પરીખ એટલે કે પરીખ સાહેબની યાદોને વાગોળવામાં આવી હતી. આ પ્રસંગે બોલતાં તેમના પુત્ર શરદભાઇ પરીખે તેમના પિતા દ્વારા સારા જીવન અને સમાજ માટે કામ કરવા અપાયેલી પ્રેરણાને યાદ કરતાં જણાવ્યું હતું કે, આપણે આપણા પારિવારિક જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે સંતુલન સાધી રહ્યાં છીએ. બાળપણથી જ અમને ફક્ત નાણા કમાવા માટે નહીં પરંતુ માનવતાની સેવા કરવાના પાઠ શીખવવામાં આવ્યા છે. અમે તો એટલું માનીએ છીએ કે જો સારી રીતે કામ કરીશું તો નાણા તો આપોઆપ આવવાના જ છે. અમારા માતાપિતા અમને દરરોજ ગીતાનું શિક્ષણ આપતાં હતાં.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના એડિટર ઇન ચીફ સી.બી. પટેલે જણાવ્યું હતું કે, પરીખ સાહેબ હેતૂપૂર્ણ જીવન જીવી ગયાં. તેમણે પોતાનું જીવન યુવામાનસને સુશિક્ષિત કરવાના પવિત્ર ધ્યેયને સમર્પિત કર્યું હતું. હાલ તેઓ આપણી મધ્યે નથી પણ તેઓ મહાન વારસો મૂકી ગયાં છે. પરીખ સાહેબમાં એક તેજસ્વી આભા હતી જે તેમની આસપાસ રહેતા તમામ વ્યક્તિના જીવનમાં પ્રકાશ રેલાવતી હતી. આજે તેમની પ્રતિબદ્ધતાને તેમના પરિવાર દ્વારા આગળ ધપાવાઇ રહી છે. તેમના પુત્રો ગીતુભાઇ, શ્રીભાઇ અને શરદભાઇ તેમના પિતાની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા આગળ વધારી રહ્યાં છે. તેમના પિતા હંમેશા માનતા કે દરેક બાળકને સારું શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ માન્યતાના કારણે જ તેમણે શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો હતો. મને પણ પારિવારિક પરંપરા અને મૂળભૂત મૂલ્યોમાં વિશ્વાસ કેળવવાની પરીખ સાહેબના જીવનમાંથી પ્રેરણા મળી છે.

પરીખ સાહેબ – એક અદ્દભૂત વ્યક્તિત્વ

૧૯૬૫માં ગોલ્ડર્સ ગ્રીન ખાતે આવેલા ચર્ચ હોલમાં હિન્દુ સેન્ટર શરૂ કરાવવામાં બાલમુકુંદભાઇ પરીખનો સિંહફાળો હતો. ૭૦ના દાયકામાં તેઓ બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણના યોગી મહારાજ સાથે જોડાયા હતા. ૮૦ના દાયકામાં બ્રિટનમાં હિન્દુ મંદિરની સ્થાપના માટે હરેકૃષ્ણ મૂવમેન્ટના સ્થાપક સ્વામી પ્રભુપાદે બાલમુકુંદભાઇ પરીખની મુલાકાત લીધી હતી. ૧૯૭૩માં હરેકૃષ્ણ મૂવમેન્ટ દરમિયાન વોટફોર્ડ નજીક ભક્તિવેદાંતા મેનોર સંપાદિત કરવામમાં બાલમુકુંદભાઇ પરીખે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તે સમયે ભક્તિવેદાંતા મેનોર હિન્દુઓ માટે મુલાકાતનું લોકપ્રિય સ્થળ બની રહ્યું હતું. જેના કારણે ટ્રાફિકમાં વધારો થતાં ગ્રામીણોના જીવનમાં પરેશાની વધી હતી. તે સમયે કાઉન્સિલે આ સ્થળનો થિયોલોજિકલ કોલેજ તરીકે ઉપયોગ કરવાની ઇસ્કોનને પરવાનગી આપી હતી. ગ્રામીણો દ્વારા ફરિયાદો વધી જતાં કાઉન્સિલ આ સ્થળ બંધ કરાવવા ઇચ્છતી હતી.  તેના  પરિણામે શ્રી પરીખના નેજા હેઠળ સેવ હરે ક્રિષ્ના ટેમ્પલ આંદોલનનો પ્રારંભ કરાયો જેને ગુજરાત સમાચાર, ન્યૂ લાઇફ (હાલના એશિયન વોઇસ) અખબારો અને હિન્દુ સમુદાય દ્વારા સમર્થન અપાયું હતું. લંડનમાં હિન્દુ મંદિર બંધ કરવાના વિરોધમાં ૩૦,૦૦૦ હિન્દુ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ રીતે સમાજની એકતાએ હિન્દુ મંદિર બચાવી લીધું હતું. ભગવદ ગીતાના શિક્ષણ અને મૂલ્યોના પ્રસાર માટે બાલમુકુંદભાઇ અને સ્વામી ગીતાપ્રકાશનંદ દ્વારા ધ હસુમતી બાલમુકુંદ પરીખ ગીતા એસોસિએશન નામથી સખાવતી સંસ્થા સ્થપાઇ હતી. 


comments powered by Disqus