ભુજ: ભારત-પાકિસ્તાન જળસીમામાં અવારનવાર બંને દેશોના માછીમારો પકડાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. બીએસએફ દ્વારા પાકિસ્તાની માછીમારોને તો પાક. મરિન દ્વારા ભારતીય ખલાસીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું.
બીએસએફના જવાનો ૩૧મી જાન્યુઆરીના સિરક્રીકના મુખ નજીક આવેલી લખપતવારી ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ૪-૫ પાક માછીમારો કેટલીક ફિશિંગ બોટ સાથે રફ દરિયાઈ સ્થિતિનો લાભ લઈને ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પાકિસ્તાની ઘૂસણખોરોએ પેટ્રોલિંગ પાર્ટી જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલિંગ ટીમે તેમનો પીછો કરીને એક પાકિસ્તાની માછીમાર સહિત ૩ માછીમારી બોટ જપ્ત કરવામાં આવી હતી. બાકીના પાકિસ્તાની માછીમારો કાંપવાળી જમીન અને ભેજનો લાભ લઈને પાક વિસ્તારમાં નાસી છુટયા હતા. જપ્ત કરાયેલી બોટની તલાશી દરમિયાન તેમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
બીજીતરફ, ઓપરેશન બાદ સમગ્ર ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને જે મોડી રાત સુધી ચાલુ છે. હજુ સુધી આ વિસ્તારમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
જ્યારે બીજી તરફ પાકિસ્તાન મરિન સિક્યુરિટીએ પોરબંદરના દરિયામાં મેરાજ અલી નામની બોટ સાથે ૧૩ માછીમારોનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન મરીન દ્વારા અવાર-નવાર ગુજરાતનાં માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. પોરબંદરના માછીમાર અગ્રણી મનીષભાઈ લોઢારીએ જણાવ્યું હતું કે મેરાજ અલી નામની ફિશિંગ બોટ ૭ ખલાસીઓ સાથે તથા અહદ બોટ ૬ ખલાસીઓ સાથે ભારતીય જળસીમા નજીક ફિશિંગ કરી રહી હતી.
તે દરમિયાન પાક. મરીનની પેટ્રોલિંગ શીપ અચાનક ત્યાં આવી ચડી હતી અને બંદુકના નાળચે બન્ને બોટો તથા તેમાં સવાર ૧૩ ખલાસીઓનું અપહરણ કરી કરાંચી તરફ લઈ જવાયા હતા.
જેમાં એક બોટ પોરબંદરની હોવાનું અને ઓખાથી ઓપરેટ થતી હોવાનું જાણવા મળે છે. જ્યારે બીજી બોટ ઓખાની છે તથા તેમાં સવાર ખલાસીઓ વલસાડ, ઉના તથા ગીર સોમનાથ પંથકના હોવાનું જાણવા મળે છે. હાલમાં પાક. મરીન દ્વારા અપહરણ કરાયેલા ૬૦૦થી વધુ માછીમારો અને કબજોની કિંમતની ૧૨૦૦થી વધુ ફિશિંગ બોટ પાક.નાં કબજામાં છે.
