સ્ટૂડિયો પર પહોંચ્યો અને લતાજીને જોઇને મારા હાથ પગ ધ્રૂજવા લાગ્યાઃ શબ્બીર કુમાર

Tuesday 08th February 2022 14:05 EST
 
 

વડોદરાઃ ફોન પર વાત કરતા કરતા એના અવાજમાં ડુમો ભરાઇ જતો હતો. અવાજમાં દર્દ હતુ. ‘ઉપરવાલે કી ફેક્ટરી મે એક હી પીસ બના જિસ્કી આજ તક કોપી બન નહી પાઇ ઔર વો મહાન શખ્સિયત હૈ લતા મંગેશકર, મે યે બાત કો માનને કે લીયે તૈયાર હી નહી હું કી વો આજ હમારે બીચ નહી હે....’ આ શબ્દો છે. ૯૦ના દાયકાના પ્રસિદ્ધ પ્લેબેક સિંગર શબ્બીર કુમારના.
શબ્બીર કુમારે લતા મંગેશકર સાથે ૫૩ ગીતો ગાયા છે. મહંમદ રફી, મુકેશજી અને કિશોરકુમાર પછી શબ્બીર કુમાર જ છે જેમણે લતાજી સાથે ૫૦થી વધુ સંખ્યામાં ગીત ગાયા હોય. શબ્બીર કુમાર મુળ વડોદરાના છે. શબ્બીર કુમાર કહે છે કે ૧૮૮૩નો એ સમય હતો. મારા સંઘર્ષના દિવસો હતા. હું વડોદરાથી મુંબઇ અપડાઉન કરતો હતો. બેતાબ ફિલ્મમાં પ્લેબેક સિંગીંગ માટે પંચમ દા (આર.ડી.બર્મન)એ મને મોકો આપ્યો હતો. મારે લતા મંગેશકર સાથે ગાવાનું હતું. મુંબઇ તાડદેવ વિસ્તારમાં આવેલ ફિલ્મ સેન્ટર સ્ટૂડિયોમાં 'બાદલ યુ ગરજતા હૈ ડર કુછ ઐસા લગતા હૈ' ગીત મારે લતાજી સાથે ગાવાનું હતું.
હું સ્ટૂડિયોમાં પહોંચ્યો અને મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા... જેમની હું પુજા કરતો હતો તે દેવી એટલે કે લતા મંગેશકર મારી સામે હતા. રેકોર્ડિંગ શરૂ થયું. લતાજી મારી બાજુમાં જ હોવાથી એટલો નર્વસ હતો કે મારાથી એક લાઇન સીધી રીતે ગવાતી નહતી. રીટેક ઉપર રીટેક થવા લાગ્યા. પંચમ દાના ચહેરા પર ગુસ્સો દેખાઇ રહ્યો હતો. લતાજી આ વાત સમજી ગયા. તેઓએ પંચમ દાને કહ્યું કે ‘પંચમ હમ બ્રેક લેતે હૈ’
હું એક ખુરશી પર બેસી ગયો. લતાજી મારી પાસે આવીને બેસી ગયા અને મારા પરિવાર અંગે, વડોદરા અંગે, અપડાઉન અંગે પુછવા લાગ્યા...થોડી વાર પછી તેઓએ પોતાની હેન્ડ બેગમાંથી થર્મોસ કાઢી અને તેમાથી ગરમા ગરમ ચા એક પ્યાલીમાં ભરીને મને આપી... સ્ટૂડિયોમાં હાજર પંચમ દા સહિત તમામ લોકો આશ્ચર્યચકિત હતા કેમ કે લતાજી ક્યારેય કોઇને પોતાની ચા આપતા નહતા. ચા પીતા પીતા લતાજીએ મને કહ્યું કે ગભરાઓ નહી...તુમ ઐસે ગાના ગાઓ કી સામને લતા મંગેશકર નહી કોઇ ઔર સિંગર હૈ અને જાણે લતાજીના મને આશિર્વાદ મળ્યા હોય તેમ એક જ ટેકમાં આખુ સોંગ રેકોર્ડ થઇ ગયુ. મે લતાજી સાથે ૫૩ ગીતો ગાયા છે જેમાંથી ૪ ગીતો એવા છે કે ફિલ્મ રિલિઝ થઇ નહી હોવાથી ગીતો પણ બજારમાં નથી આવ્યા.
લતા મંગેશકર અને શબ્બીર કુમારના કેટલાક હીટ ગીતો
૧) બાદલ યુ ગરજતા હૈ... બેતાબ
૨) જબ હમ જવાં હોંગે... બેતાબ
૩) તુમ સે મીલ કર ના જાને ક્યૂ... પ્યાર ઝુકતા નહી
૪) ઝીંદગી હર કદમ ઇક નઇ જંગ હૈ... મેરી જંગ
૫) ગોરી હૈ કલાઇયાં... આજ કા અર્જુન
૬) પ્યાર કીયા નહી જાતા હો જાતા હૈ... વો સાત દીન
૭) ઓ રાધા તેરે બીના તેરા શ્યામ... રાધા કા સંગમ


comments powered by Disqus