૨૧૬ ફૂટ ઊંચું સમાનતાનું પ્રતીક

Wednesday 09th February 2022 07:55 EST
 
 

હૈદરાબાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વસંત પંચમીના પાવન પર્વે તેલંગણમાં ૧૧મી સદીના વિખ્યાત સંત અને સમાજસુધારક શ્રી રામાનુજાચાર્ય સ્વામીની ૨૧૬ ફૂટ ઊંચી પ્રતિમા ‘સમાનતાની પ્રતિમા’ (સ્ટેચ્યુ ઓફ ઇક્વિાલટી)નું અનાવરણ કર્યું હતું. બેઠેલી મુદ્રામાં દુનિયાની આ બીજા ક્રમની સૌથી મોટી પ્રતિમા છે. પંચધાતુમાંથી બનેલી આ પ્રતિમા રૂ. ૧,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થઈ છે અને સંત રામાનુજાચાર્યના જન્મને ૧,૦૦૦ વર્ષ પૂરા થયા છે ત્યારે આ પ્રતિમાનું અનાવરણ કરાયું છે. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ શમશાબાદ સ્થિત ‘યજ્ઞશાળા’માં ધાર્મિક અનુષ્ઠાન કર્યું હતું.
૧૦૦૦ વર્ષ પૂર્વે પરિવર્તનના મશાલચી
વૈષ્ણવ સંત શ્રી રામાનુજાચાર્યનો જન્મ તામિલનાડુના પેરમ્બદૂરમાં વર્ષ ૧૦૧૭માં થયો હતો. તેમણે સમાજના દરેક વર્ગને સમાન માનવાનું દર્શન આપ્યું હતું. તેમણે રાષ્ટ્રીયતા, લિંગ, ધર્મ, જાતિ અથવા પંથના આધારે ભેદભાવનો વિરોધ કર્યો હતો. એક હજાર વર્ષ પહેલાં રામાનુજાચાર્યે ભારતીય સમાજમાં પરિવર્તનની હાકલ કરી હતી. તે સમયે સમાજ છૂત-અછૂત અને જાતિ આધારિત બદીઓના જંજીરમાં જકડાયેલો હતો. તેમણે પછાત લોકોને મંદિરમાં પ્રવેશ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે બધા જ પ્રકારના ભેદભાવનો અસ્વીકાર કરતા મંદિરના દ્વાર બધા જ લોકો માટે ખોલવાની પહેલ કરી હતી. સંત શ્રી રામાનુજાચાર્યને દુનિયાના સમાજ સુધારકો માટે સમાનતાના પ્રતિક મનાય છે.
પ્રતિમા સમાનતાનું પ્રતીકઃ વડા પ્રધાન મોદી
આ પ્રતિમાનું અનાવરણ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સંત શ્રી રામાનુજાચાર્યની આ પ્રતિમા ભારત અને વિશ્વમાં સમાનતાનું પ્રતિક છે. આજે 'સમાનતાની પ્રતિમા’ના રૂપમાં આ વિશાળ મૂર્તિ આપણને સમાનતાનો સંદેશ આપી રહી છે. આ સંદેશ સાથે આજે દેશ 'સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ'ના મંત્ર સાથે પોતાના નવા ભવિષ્યનો પાયો નાંખી રહ્યો છે. જેમનું સદીઓથી શોષણ કરાયું તેઓ સંપૂર્ણ ગૌરવ સાથે દેશના વિકાસના ભાગીદાર બને તે માટે આજનું બદલાતું ભારત એક થઈ પ્રયત્ન કરી રહ્યું છે.
વડા પ્રધાને જણાવ્યું કે, આજે દુનિયામાં સામાજિક સુધારાની વાતો થાય છે ત્યારે પોતાના મૂળથી દૂર થઈને આ સુધારા થશે તેમ મનાય છે, પરંતુ હકીકતમાં આપણે પોતાની મૂળ સંસ્કૃતિથી જોડાઈને આપણી વાસ્તવિક શક્તિથી પરિચિત થવું જોઈએ. સુધારા માટે મૂળથી દૂર થવું જરૂરી નથી. જગદ્ગુરુ શ્રી રામાનુજાચાર્યજીની ભવ્ય વિશાળ પ્રતિમા મારફત ભારત માનવીય ઊર્જા અને પ્રેરણાને મૂર્ત રૂપ આપી રહ્યું છે.
રામાનુજાચાર્યની પ્રતિમા તેમના જ્ઞાન, વૈરાગ્ય અને આદર્શના પ્રતિકસમાન છે. તે દેશની ભાવી પેઢીને પ્રેરણા આપવાની સાથે ભારતની પ્રાચીન ઓળખને મજબૂત કરશે. તેમણે ઉમેર્યું કે ભારત એવો દેશ છે, જ્યાં અદ્વૈત પણ છે અને દ્વૈત પણ છે.
પ્રતિમાના અનાવરણ પૂર્વે વડા પ્રધાન પાટનચેરુમાં આઈસીઆરઆઈએસ-એટીના ૫૦મા સ્થાપના સમારંભમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે અમે દેશમાં કૃષિ ક્ષેત્રે બેવડી રણનીતિ પર કામ કરીએ છીએ. અમે એક બાજુ જળસંચયના માધ્યમથી નદીઓને જોડીને એક મોટા ક્ષેત્રને સિંચાઈના દાયરામાં લાવી રહ્યા છીએ.
આઈસીઆરઆઈએસએટી એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે એશિયા અને ઉપ-સહારા આફ્રિકામાં વિકાસ માટે કૃષિ ક્ષેત્રે સુધારા લાવે છે અને ખેડૂતોને પાકની વધુ સારી ઉપજ માટે મદદ કરે છે.

૪૫ એકરમાં રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે મંદિર પરિસરનું નિર્માણ

રામાનુજાચાર્ય સ્વામી સનાતન ધર્મના સૌ પ્રથમ સંત છે. જેમનું આટલું ભવ્ય મંદિર બનાવાયું છે તેમની પ્રતિમા હૈદરાબાદ નજીક શમશાબાદમાં ૪૫ એકરના ભવ્ય મંદિર પરિસરમાં સ્થાપિત કરાઈ છે. આ મંદિરનું નિર્માણ વર્ષ ૨૦૧૪માં શરૂ થયું હતું. પ્રતિમાનું નિર્માણ સોના, ચાંદી, તાંબા, પિત્તળ અને જસત એમ પંચધાતુથી કરાયું છે.
સંત શ્રી રામાનુજાચાર્યની આ બેઠેલી પ્રતિમા દુનિયાની બીજી સૌથી મોટી પ્રતિમા છે. દુનિયામાં થાઈલેન્ડ સ્થિત ૩૦૨ ફૂટની બુદ્ધની પ્રતિમા સૌથી ઊંચી પ્રતિમા છે. રામાનુજાચાર્યની એક પ્રતિમા મંદિરની અંદર પણ પ્રસ્થાપિત કરાઈ છે. જે ૧૨૦ કિલો સોનામાંથી બનેલી છે. આ પ્રતિમા ૬૪ ફૂટ ઊંચા આધાર પર સ્થાપિત કરાઈ છે, જેને ભદ્રવેદી નામ અપાયું છે.
ભદ્રવેદીમાં ડિજિટલ લાઇબ્રેરી અને રિસર્ચ સેન્ટર બનાવાયું છે. જ્યાં પ્રાચીન ભારતીય ગ્રંથો અને સંત શ્રી રામાનુજાચાર્યના કામોની માહિતી આપતી ગેલેરી પ્રસ્થાપિત કરાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતા રવિવાર - ૧૩મી ફેબ્રુઆરીએ મંદિરના આંતરિક કક્ષનું અનાવરણ કરશે. સંત શ્રી રામાનુજાચાર્ય રાષ્ટ્ર, જાતિ, ધર્મ, પંથના નામે થતા ભેદભાવના વિરોધી હતા. તેથી તેમની પ્રતિમાની બાજુમાં દુનિયાના બધા જ દેશોના ધ્વજ લગાવાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.


comments powered by Disqus