ડિફેન્સમાં આધુનિકીકરણ માટે રૂ.1,523 કરોડ

Tuesday 08th March 2022 15:08 EST
 
 

નવીદિલ્હી: દેશના સુરક્ષા દળોને આધુનિક શસ્ત્રો અને IT માળખું આપવા 1,523 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવ્યા છે. આધુનિકીકરણની આ યોજના-4નો ગૃહપ્રધાન અમિત શાહના આદેશથી 1 ફેબ્રુઆરી 2022થી 31 માર્ચ 2026 સુધી અમલ કરવામાં આવશે. બીજી બાજુ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના પડકારને પ્રમોટ કરવા સંરક્ષણ વિભાગે ભારતીય સુરક્ષા દળો માટે રક્ષણના ઉપકરણોની ડિઝાઇન વિકસાવવા તથા પ્રોટોટાઇપ તૈયાર કરવા ભારતીય ઉદ્યોગોને મંજૂરી આપી છે.
સુરક્ષા દળોના આધુનિકીકરણ યોજના-4 હેઠળ આગામી પાંચ વર્ષમાં CRPF, BSF, CAPF, CISF, ITBP. SSB, NSG અને આસામ રાઇફલ્સની કાર્યદક્ષતા વધારવામાં આવશે, તેમના માટે અત્યાધુનિક શસ્ત્રો ખરીદવામાં આવશે, તેમના માટે IT માળખાનું આધુનિકીકરણ કરવામાં આવશે.
આંતરિક સુરક્ષા મજબૂત બનવાની સાથે આંતરરાષ્ટ્રીય સરહદ, લાઇન ઓફ કન્ટ્રોલ(LOC) અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ(LAC) ઉપરાંત આતંકવાદથી પીડાતા જમ્મુ-કાશ્મીર, લદાખ અને નક્સલવાદથી પીડાતા પૂર્વોત્તર રાજ્યોમાં સુરક્ષા દળો તમામ પડકારોને વધુ અસરકારક રીતે પહોંચી વળશે. આત્મનિર્ભર ભારતના પડકારને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ વિભાગે ભારતીય ઉદ્યોગોને સંરક્ષણના ઉપકરણોની ડિઝાઇન વિકસાવવા અને પ્રોટોટાઇપ બનાવવાની નવ યોજનાઓને મંજૂરી આપી દીધી છે. તેમાંથી એરફોર્સના ડિફેન્સ પ્રોટોકોલ સાથે સંપર્કના સંચાર ઉપકરણો તથા તેમના સોફ્ટવેર, ધરતી ઉપરના કન્ટ્રોલ કમાન્ડ સાથે એરબોર્ન ઇલેક્ટ્રો ઑપ્ટિકલ પૉડ, એરબોર્ન સ્ટેન્ડ ઑફ જેમર, તથા સેના માટે લાઇટ ટેન્ક બનાવવા સહિતની ચાર મોટી યોજનાઓ પ્રથમ શ્રેણીની છે. આ કેટેગરીમાં કેન્દ્ર સરકાર તરફથી તબક્કાવાર 90 ટકા આર્થિક સહાય આપવામાં આવે છે.


comments powered by Disqus