ભટનાગર બંધુઓને ક્લિન ચીટઃ બેન્ક ફ્રોડ કેસમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો

Tuesday 08th March 2022 14:55 EST
 
 

વડોદરા: બેન્ક ઓફ ઇન્ડિયાએ ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પૂર્વ પ્રોપરાઇટર ભટનાગર બંધુઓ સામે નોંધાવેલ 54 કરોડ રૂપિયાની લોન કૌભાંડની બે વર્ષ તપાસ બાદ સીબીઆઇએ ક્લોઝર રિપોર્ટ દાખલ કરીને કોર્ટને કહ્યું છે કે આ કેસમાં કૌભાંડ થયુ હોય એવા કોઇ પુરાવા નથી.
ડાયમંડ પાવરના પ્રોપરાઇટર એવા અમિત ભટનાગર, સુમિત ભટનાગર સહિત છ લોકો સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 10 સપ્ટેમ્બર 2020ના રોજ એફઆઇઆર દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે અટલાદરા વિસ્તારમાં ફાઇવ સ્ટાર હોટલના નિર્માણ માટે રૂ. 54.19 કરોડની લોન લઇને આરોપીઓએ તેનો ખોટો ઉપયોગ કર્યો છે અને લોનને અન્ય હેતુ માટે ડાયવર્ટ કરી છે. આ કેસમાં સીબીઆઇએ તપાસનો પ્રારંભ કર્યો હતો અને અમિત ભટનાગર, સુમિત ભટનાગરને એક વર્ષનો જેલવાસ પણ થયો હતો.
આ કેસમાં દોઢ વર્ષ તપાસના અંતે સીબીઆઇએ કોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે જેમાં નોંધ્યું છે કે 'મંજૂર કરાયેલ લોનનો હોટલના બાંધકામ હેતુ માટે જ ઉપયોગ કરાયો છે. લોનનું કોઇ અન્ય હેતુ માટે ડાયવર્ઝન નથી કરાયુ. લોન લેનારાઓએ છેતરપિંડી નથી કરી અન્યથા તેઓએ હોટલનું નિર્માણ કર્યુ ન હોત. 54 કરોડની લોન સામે 220 કરોડની સંપત્તિ છે એટલે અમદાવાદ સ્થિત બેંક ઓફ ઇન્ડિયાની શાખાને કોઇ નુકસાન થયુ નથી અને લોન સામે પુરતી સુરક્ષા છે.આમ આરોપીઓ સામે કોઇ ક્રિમિનલ કેસ બનતો નથી કેમ કે આરોપીઓ સામે આરોપને લગતા કઇ પુરાવા નથી.
ખોટું નથી કર્યુ તો દેશ છોડીને ભાગવાની જરૂર જ નથી
આ અંગે અમિત ભટનાગર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે 'અમને ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ હતો એટલે અમે પોલીસ અને સીબીઆઇની તમામ કાર્યવાહીમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. અમે સાચા હતા અમે કોઇ ફ્રોડ નથી કર્યુ તે સીબીઆઇએ જ સાબીત કરી બતાવ્યુ છે. હું દેશના અન્ય ઉદ્યોગપતિઓને પણ એ જ કહીશ કે જો તમે સાચા છો તો દેશ છોડીને ભાગવાની જરૂર નથી. ન્યાય કાર્યવાહીમાં વિશ્વાસ રાખો આખરે ન્યાય જરૂર મળશે


comments powered by Disqus