નવી દિલ્હીઃ ભારત સરકારે બે વર્ષ લાંબા પ્રતિબંધ બાદ આગામી 27 માર્ચથી ફરી એક વાર નિયમિત કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે દેશની ફ્લાઈટ્સ અન્ય રાષ્ટ્રોમાં જઈ શકશે તેમજ અન્ય રાષ્ટ્રોની ફ્લાઈટ્સ ઈન્ડિયા આવી શકશે.
કોરોનાના કારણે આશરે બે વર્ષ પહેલા ભારત સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે હવે આ પ્રતિબંધને હટાવી દરેક એરલાઇન્સને ફ્લાઈટ્સ ઓપરેટ કરવા મંજૂરી અપાઇ છે.
કોરોના નિયંત્રણોના પગલે ભારત સરકારે જુલાઇ 2020થી વંદે ભારત મિશન અંતર્ગત 40 દેશો માટે સ્પેશિયલ ફ્લાઈ્ટસની વ્યવસ્થા કરી હતી. આ ફ્લાઇટ કોરોના પ્રોટોકોલના આકરા નિયંત્રણો સાથે ઓપરેટ થતી હતી.
ભારત જે દેશો સાથે હવાઇ માર્ગે જોડાયેલું છે તેમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બહેરીન, બાંગ્લાદેશ, ભૂતાન, કેનેડા, ઇથોપિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇરાક, જાપાન, કઝાકિસ્તાન, કેન્યા, કુવૈત, માલદીવ્સ, મોરેશિયસ, નેપાળ, નેધરલેન્ડ્સ, નાઇજિરિયા, ઓમાન, કતાર, રશિયા, રવાન્ડા, સાઉદી અરેબિયા, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વિટ્ઝર્લેન્ડ, તાન્ઝાનિયા, યૂક્રેન, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.
ભારત સરકારે અગાઉ 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ફરી શરૂ કરવાની યોજના બનાવી હતી. પરંતુ ઓમિક્રોનના કારણે આ યોજના રદ કરવામાં આવી હતી અને સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય પડતો મૂક્યો હતો.
કોરોના વાઈરસ મહામારીની પ્રથમ લહેરને પહોંચી વળવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યા બાદ માર્ચ 2020માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રથમ વખત પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

