24 મી ફેબ્રુઆરીએ રશિયન પ્રમુખ પુતિને યુક્રેન પર લશ્કરી હુમલો શરૂ કર્યો. કોઈ પણ યુદ્ધની જેમ, યુક્રેનની ધરતી પરનું આ યુદ્ધ સ્થાનક નાગરિકો માટે જ નહીં, ા દેશમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ દુઃસ્વપ્ન સમાન બની ગયું છે.
યુક્રેનમાં રહી તબીબી શિક્ષણ મેળવતા ભારતીય વિદ્યાર્થીની સંખ્યા 20,000થી વધુ છે. યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાનું મુખ્ય કારણ ભારતની સરકારી મેડિકલ કોલેજોમાં બહુ જૂજ સીટ અને પ્રાઈવેટ મેડિકલ કોલેજોની ઊંચી ફી. યુક્રેનની સરખામણીમાં તેની કિંમત બમણી છે. આથી છેલ્લા કેટલાક વર્ષોથી યુક્રેન ભારતીય વિદ્યાર્થી માટે સારો વિકલ્પ બન્યું છે.
પિન્ટુ જાલંધરા નામનો વિદ્યાર્થી ભાવનગર જિલ્લાના રત્ન કલાકાર (હીરાઘસુ)નો પુત્ર છે. પિતાની સાધારણ આવકના કારણે ભારતની ખાનગી મેડિકલ કોલેજની ફી ચૂકવવી તેના માટે શક્ય ના હતી. તેણે ઈન્ટરનેટ પર તપાસ કરી અને જોયું કે ચેર્નિવત્સીની મેડિકલ યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન આપે છે અને તેથી તેણે ત્યાં પ્રવેશ લઈ લીધો. 5 લાખ રૂપિયા એડવાન્સ ચૂકવ્યા બાદ પિન્ટુ નવેમ્બરમાં યુક્રેન ગયો હતો. યુદ્ધના કારણે પિન્ટુને તાજેતરમાં વતન પરત ફરવાની ફરજ પડી. પિન્ટુનું કહેવું છે કે જો યુદ્ધની સ્થિતિ યથાવત રહેશે તો તેણે લોન પર લીધેલા પૈસા અને મેડિકલમાં કારકિર્દીનું સ્વપ્ન વેડફાઇ જશે.
યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ
સિદ્ધાંત સહાય કે જેઓ ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષનો MBBSનો વિદ્યાર્થી છે. વડોદરામાં રહેતા પિતા હવે ખાનગી નોકરીમાંથી નિવૃત્ત થયા છે. વર્ષ 2018 માં સિદ્ધાંતે ભારતમાં 12મું ધોરણ પાસ કર્યું હતું. તે સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મેળવી શક્યો ન હતો. તે જે MBBS સીટમાં પ્રવેશ મેળવવા માંગતો હતો તેના માટે તેણે સંપૂર્ણ કોર્સની ફી પેટે 80,78,047 રૂપિયાનો ખર્ચ થતો હતો, જે તેના માટે પરવડે તેમ ન હતું. સિદ્ધાંતના જણાવ્યા મુજબ, તપાસ કરતા તેઓને જાણવા મળ્યું કે જો યુક્રેનમાં એડમિશન લઈને છ વર્ષના સમયગાળામાં 35,30,507ના ખર્ચે તેનું MBBSનું સ્વપ્ન પૂરું કરી શકે છે. તેથી તેણે તેના નિવૃત્ત પિતાની કિંમતી બચતમાંથી પૈસાની ચૂકવણી કરીને યુક્રેનની કોલેજમાં પ્રવેશ લીધો. ગુજરાત સમાચાર સાથે વાત કરતાં તે કહે છે, "જો યુદ્ધ પછી શિક્ષણ ફરી શરૂ થાય, તો પણ ભારતની નીતિ રશિયાની તરફેણમાં હોવાથી તેને ડર છે કે, ત્યાંના સ્થાનિકોની નફરત સહન કરવી પડી શકે છે." સિદ્ધાંત હાલમાં ખૂબ જ મુશ્કેલીભરી સ્થિતિમાં છે, ભવિષ્ય અંગે કોઈ નિશ્ચિતતા રહી નથી.
અન્ય એક વિદ્યાર્થી ચાંદની પટેલ (નામ બદલ્યું છે) કહે છે કે ખાર્કિવમાં બોમ્બમારો ચાલુ હતો ત્યારે તેણીએ અને તેના ફ્લેટના સાથીઓએ કોઈપણ ભોગે ભારત જવાનું નક્કી કર્યું. 15 વિદ્યાર્થીઓનું ગ્રુપ સવારે 5 વાગ્યે રેલ્વે સ્ટેશન તરફ જવા પગપાળા જ ચાલવા લાગ્યું. રસ્તામાં અલગ-અલગ સ્થળોએ યુક્રેનિયન અને રશિયન સૈનિકોને મળ્યા, જેમણે તપાસ કરી અને તેમને જવા દીધા. બે કલાક ચાલ્યા પછી તેઓ રેલવે સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ રેલવે સ્ટેશન બહાર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે બોમ્બમારો શરૂ થયો. દરમિયાન ટ્રેન આવી પણ યુક્રેનિયન પોલીસે પોતાના દેશના નાગરિકોને પ્રાધાન્ય આપતા ચાંદની પટેલ અને તેના ગ્રુપના સાથીઓ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. યુક્રેનિયન સૈનિકો પૈકીના કેટલાકે તો તેમને ટ્રેનની અંદર જવા માટે વિદેશી વિદ્યાર્થી દીઠ 100 ડોલર માગ્યા હતા. ટ્રેનની 14 કલાકની મુસાફરી દરમિયાન તેઓને બેસવા જગ્યા પણ ના મળી.
ખાર્કિવમાં મેડિકલનો અભ્યાસ કરતી ભોપાલની અદિતિ સોનીએ પોતાની આપવીતી જણાવી હતી. અદિતિએ જણાવ્યું હતું કે "મને ખરેખર ચિંતા છે કે મને મારી મેડિકલ ડિગ્રી મળશે કે નહીં." અદિતિ સોનીને કેટલાક એવા જાતિવાદી અનુભવો થયા હતા જેમાં સ્થાનિકોને વિદેશી નાગરિકો કરતાં વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય, પરંતુ અદિતિના મતે આ બધુ યુદ્ધની સ્થિતિએ સ્વાભાવિક લાગે છે.
પોલેન્ડમાં ભારતીય નાગરિક તમામ દેશોના લોકોને મદદ કરે છે
કટોકટીની સ્થિતિમાં કેટલાક લોકોએ માનવતાને મહેકાવી હતી. પોલેન્ડમાં ફૂડ ડિલિવરીની જોબ કરતા 28 વર્ષીય ગૃહાંગ પટેલ તેમાના એક છે. તેઓ યુક્રેનથી સરહદ પાર કરીને આવેલા લોકોની મુશ્કેલીઓથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. વોર્સોમાં રહેતા ગૃહાંગ પટેલે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી યુદ્ધગ્રસ્ત દેશમાંથી આવેલા તમામ લોકોને મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા આપવાનો નિર્ધાર કર્યો. તેણે કોઈ વસ્તુ માટે એક પૈસો પણ વસૂલ્યો ન હતો. ગૃહાંગ પટેલે તેના મિત્રોની મદદથી જરૂરિયાતમંદોને રહેવા માટે હોટલૉ અને ઘરોની વ્યવસ્થા કરી. તેમણે મફત ભોજન આપવા માટે સ્થાનિક તુલસી રેસ્ટોરન્ટની પણ મદદ લીધી. ગૃહાંગ પહેલેથી જ 100 થી વધુ લોકોને આશરો આપી ચૂક્યા છે, જેમાં 30 લોકો તેમના આશ્રય હેઠળ છે. ગૃહાંગ પટેલ આણંદ જિલ્લાના ઓડના વતની છે, ગૃહાંગની વિશેષતા છે કે તેઓએ તેમના સદ્કાર્યને કોઈ ચોક્કસ દેશ અથવા કોઈ ધર્મના લોકો સુધી મર્યાદિત રાખ્યું નથી. તેઓએ પાકિસ્તાની, ઈઝરાયેલ અને યુક્રેનિયન લોકોને પણ ભોજન અને રહેઠાણ પુરૂ પાડવામાં મદદ કરી છે. જે લોકો વતન પરત ફરે છે તે લોકો દ્વારા જે કૃતજ્ઞતા બતાવાય છે તેનાથી ગૃહાંગ પટેલ પ્રભાવિત થાય છે.

