વડોદરાની વિદ્યાર્થિનીએ કહ્યું કે મારે યુક્રેન નથી જવું

Tuesday 08th March 2022 14:54 EST
 

વડોદરા: રશિયા અને યુક્રેન વચ્ચેનુ યુધ્ધ સમાપ્ત થવાનુ નામ નથી લઈ રહ્યુ અને યુધ્ધ વચ્ચે હજારો ભારતીય વિદ્યાર્થીઓ બોર્ડર ક્રોસ કરવાની મથામણ કરી રહ્યા છે. જોકે રોમાનિયા અને પોલેન્ડની બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓ સાથે સૈનિકો અમાનવીય વ્યવહાર કરી રહ્યા છે અને વડોદરાની વિદ્યાર્થિની પોલેન્ડ બોર્ડર પર તેની સાક્ષી પણ બની છે.
તરસાલી વિસ્તારમાં રહેતી અને યુક્રેનના ટર્નોપિલ શહેરમાં રહીને મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિવ્યા મહાડિક અને તેની સાથેના સ્ટુડન્ટસ માંડ માંડ પોલેન્ડ બોર્ડર ક્રોસ કરી ચુક્યાં છે. દિવ્યાના માતા પ્રીતિબેન કહે છે કે, માઈનસ 10 ડિગ્રી ઠંડીમાં 40 કિલોમીટર ચાલીને બોર્ડર પર પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે સૈનિકોએ બહુ જ ખરાબ વર્તન કર્યું હતુ. દિવ્યાની સામે જ એક વિદ્યાર્થિનીને સૈનિકે માર માર્યો હતો. આકરી ઠંડીમાં બે દિવસ બોર્ડર પર પસાર કર્યા બાદ તેમને બોર્ડર ક્રોસ કરવા મળી હતી. જોકે સૈનિકોએ તે સમયે માત્ર ગર્લ્સને જ જવા દીધી હતી અને બોય્ઝને રોકી રાખ્યા હતા. જેઓ પાછળથી પોલેન્ડ પહોંચ્યા છે.
પ્રીતિબેન કહે છે કે, સૈનિકોને વિદ્યાર્થીઓ પૂછતા પણ હતા કે, અમે તો સ્ટુડન્ટસ છે અને અમારો તો કોઈ વાંક નથી. આમ છતા સૈનિકો ભારતીય વિદ્યાર્થીઓને મારતા હતા. એક વિદ્યાર્થીને તો ઉંચી કાંટાળી વાડ કુદવાની ફરજ પાડી હતી. એક વિદ્યાર્થી બેભાન પણ થઈ ગયો હતો. મારી પુત્રી અને બીજા ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને આ પ્રકારનો અત્યાચાર જોઈને ભારે આઘાત લાગ્યો છે. મારી પુત્રી કહે છે કે, મારે ફરી યુક્રેનમાં પગ નથી મુકવો. મારી પુત્રીની નજર સામેથી બોર્ડર પરના દ્રશ્યો ખસી રહ્યા નથી. વિદ્યાર્થીઓને આ આઘાતમાંથી બહાર આવતા સમય લાગશે. જોકે ચેક પોસ્ટ પસાર કર્યા બાદ વિદ્યાર્થીઓને ભારતીય એમ્બેસીની મદદ મળી રહી છે. એમ્બેસીના અધિકારીઓએ વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર પરથી હોટલમાં રાખવાની વ્યવસ્થા કરી છે. આશા રાખીએ છે કે, બહુ જલ્દી દિવ્યા ઘરે પાછી આવશે.


comments powered by Disqus