વિઘાકોટ-હરામીનાળા-સિરક્રિક તરફથી સરહદ સંપૂર્ણ સીલ થશે

Tuesday 08th March 2022 15:04 EST
 
 

ભૂજઃ કચ્છના હરામીનાળાના અંતભાગના પીલર નંબર 1175થી ઉત્તર બાજુએ સિરક્રીક તરફના દરિયાઈ ખાડી વિસ્તારમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે. જી પીલર નંબર 1થી 20 સુધી જોડાનારા રસ્તાના લીધે પાકિસ્તાનમાં હરામીઢોરો તરીકે ઓળખાતા અને ભારતના હરામીનાળા સરહદના ભાગની વચ્ચેથી ભારતમાં ઘૂસણખોરી કરવા માગતા દેશ વિરોધી તત્ત્વોની સામે વધુ સજ્જતા ઊભી થશે. કારણ કે, રસ્તો બનવાના લીધે આગામી સમયમાં વોચ ટાવર, બોર્ડર પોસ્ટ સહિતની સુવિધા ઊભી કરી શકાશે. બીજી બાજુ ભુજ તાલુકાની રણ સરહદના વિઘાકોટથી હરામીનાળા તરફના અંતરિયાળ વિસ્તારમાં પીલર નંબર 1142 નજીક બની રહેલા રસ્તાના કારણે પણ સુરક્ષામાં વધારો થશે અને સરહદ એક પ્રકારે સજ્જડ સીલ થશે એમ કહી શકાશે. હાલમાં કરેલી ક્રીકની ફિલ્ડ વિઝિટમાં ઉકેલ લાવી શકાય તેવા મનાતા પડકારો વચ્ચે બીએસએફની સાહસિક દેશસેવા નજરે ચઢી હતી. નોંધનીય છે કે, વિઘાકોટથી હરામીનાળા સુધીના રણ અને ક્રીક ભાગોમાં સજ્જડ સલામતીના આયામોના લીધે ખાવડા પાસે બનનારા વિશ્વનો સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્ક પણ વધુ સુરક્ષિત બનશે.
લખપતથી અંદર 27 કિલોમીટરના અંતરે બીએફએફની બટાલિયન નંબર 59ના અંદાજે 250 જવાનો તહેનાત છે. 6 સ્પીડ બોટ અને એક મેકેનિઝ બોટથી હરામીનાળામાં પેટ્રોલિંગ કરાતું આવ્યું છે. પીલર નંબર 1174, 70, 64, 60 સુધી વોચ ટાવર અને હંગામી સ્ટ્રક્ચરવાળી પોસ્ટ બનાવવામાં આવી છે. બોર્ડર પોસ્ટ નંબર 1175 સુધી પણ મોબાઈલ નેટવર્કના ઠેકાણા ન હોવાના લીધે સૌથી મોટો પડકાર સંચાર વ્યવસ્થાનો છે. હરામીનાળાના 20 કિલોમીટરની અંદરના ભાગમાં ફરજ બજાવતા જવાન પાસે કોઈ જાહેર નેટવર્ક ન હોવાના લીધે સમસ્યા થઈ રહી છે.
જાન્યુઆરીમાં કચ્છ આવેલા કેન્દ્ર સરકારના સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણે સરહદી વિસ્તારમાં જવાનો અને લોકો માટે સુઘડ સંચાર નેટવર્કની ધરપત આપી ગયા છે. પરંતુ કચ્છના દુર્ગમ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા ક્યારે હલ થશે તેનો કોઈ ઉકેલ હાલમાં જણાતો નથી. માળખાગત સુવિધાઓના અભાવ વચ્ચે બીએસએફના જવાનો દિવસરાત ઘૂસપેડીઓ કે નાપાક તત્ત્વોના ઈરાદાને અસંભવ બનાવી રહ્યા છે.


comments powered by Disqus